ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ સમયાંતરે ચીન ભારત તરફી સળીચારો કરી રહ્યું છે. ચીનની દરેક પ્રવૃતિઓ પર નજર રાખી રહેલા એક વ્યક્તિ બ્રહ્મ ચેલાનીએ જણાવ્યું હતું કે, ચીન પોતાના વિસ્તારલક્ષી દાવાઓને વધારે મજૂબત કરવા અને બોર્ડર પર ઘુસણખોરી વધારવા માટે ભારતીય બોર્ડર નજીક ઘણા નિર્માણકાર્ય કરાવી રહ્યું છે.
ચીને બુમ લા પાસથી નજીક આશરે પાંચ કિમી દૂર ઓછામાં ઓછા ત્રણ ગામનું નિર્માણ કર્યું છે. જોકે, તે પશ્ચિમી અરૂણાચલ પ્રદેશમાં ભારત, ચીન અને ભૂતાન વચ્ચે એક ત્રિકોણીય જંક્શનથી નજીક છે. આ વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે બોર્ડરને વિસ્તારને લઈને વિવાદ થયો છે. અરૂણાચલ પ્રદેશની બોર્ડર સાથે જોડાયેલા પોતાના વિસ્તારના દાવાઓને વધુ મજબૂત કરવાની દિશામાં ચીનનું આ એક મહત્ત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. ચીન પોતાના દાવાઓને લઈને અને બોર્ડર વિસ્તાર નજીક ભારતીય સીમા પાસે કોમ્યુનિસ્ટ પાર્ટીના હૈન ચાઈનીસ અને તિબ્બતી સભ્યોનો વસવાટ કરાવી રહ્યું છે. જેવી રીતે ચીન દક્ષિણ ચીન સમુદ્ર કિનારાના વિસ્તારમાં માછીમારોનો ઉપયોગ કરી રહ્યું છે. ચીન ભારતીય એરિયામાં આવતા હિમાલયના વિસ્તારોમાં ઘુસણખોરી કરવા માટે નાગરિકો સંસાધનો તેમજ ઘાસ ચરતા પ્રાણીઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ રિપોર્ટ સાથે એક સેટેલાઈટ તસવીર પણ શેર કરવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા ભૂતાનના વિસ્તારમાં ચીને એક ગ્રામ્ય વિસ્તાર તૈયાર કર્યો હતો. આ તસીવર સામે આવી છે. ડોકલામથી એ સાઈટ આશરે સાત કિમી દૂર છે. જ્યાં વર્ષ 2017માં ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ જેવી સ્થિતિ પેદા થઈ હતી.
આ તસવીરમાં જોવા મળતા ત્રણ ગામ ચીનના વિસ્તારમાં આવેલા છે. આ ત્રણેય ગામનું નિર્માણ એવા સમયે કરવાામાં આવી રહ્યું છે. જ્યારે પૂર્વી લદ્દાખ વિસ્તારમાં ભારત અને ચીનના સૈન્ય સામસામે ઊભા છે. વર્ષ 1962ના યુદ્ધ બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. હાલમાં આ સ્થિતિને લઈને દેશ એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ભારત અને ચીન બોર્ડર પર માહોલ સંવેદનશીલ છે. આઠ વખત સૈન્યની સામસામે બેઠક થવા છતાં પણ કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી. આ રિપોર્ટ સાથે શેર કરવામાં આવેલી તસવીર પ્લાનેટ લેબમાંથી મેળવવામાં આવી છે. તા.17 ફેબ્રુઆરી 2020 સુધી આ વિસ્તારમાં માત્ર એક જ ગામ જોવા મળ્યું હતું. પણ પછી 20 થી વધારે નવા મકાન જોવા મળી રહ્યા છે. જે સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં લાકડાના ઘર હોવાનું મનાય રહ્યું છે. જેને લાલ રંગની છત પરથી સરળતાથી ઓળખી શકાય છે. બીજી તસવીર તા.28 નવેમ્બરની છે. જેમાં ઓછામાં ઓછા 50 સ્ટ્રક્ચર સાથે ત્રણ એન્ક્લેવ પણ જોવા મળી રહ્યા છે. દરેક એન્ક્લેવ બીજા એન્ક્લેવથી એક કિમીની અંદરના વિસ્તારમાં છે. ચીન આ વિસ્તારમાં બોર્ડર અંગના કાયદાની સ્થિતિને લઈને પડકાર ફેંકે છે. આ ગામમાંથી ચીનના સૈન્યએ ગ્રામજનોને બીજે સ્થાનાંતરિત કર્યા છે.