ઇસ્લામાબાદ, પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આથક તંગીનો સામનો કરી રહેલા દેશ સાથે વધુ કોઈ બેલઆઉટ વાટાઘાટો પર વિચાર કરવા પહેલા ઓછામાં ઓછા ૩૦% રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકોની ઓડિટની ખાતરી કરવાનો આગ્રહ કર્યો છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સ્થાપક ખાને ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેઓ વૈશ્ર્વિક ધિરાણર્ક્તાને કોઈપણ સહાય આપવાનું ટાળવા માટે કહેશે કારણ કે અધિકારીઓએ તેમની પાર્ટીને સત્તામાંથી બહાર રાખવા માટે ચૂંટણી પરિણામોમાં ધાંધલી કરી છે.
પાર્ટીના અયક્ષ ગોહર અલી ખાનએ પાર્ટીના મહાસચિવ ઓમર અયુબ ખાન સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પત્રની પુષ્ટિ કરી છે, પરંતુ તેમણે તેની સામગ્રી શેર કરવાનો ઈનકાર કરી દીધો છે. પાર્ટીના એક પ્રવક્તાએ એ પણ કહ્યું કે, જ્યાં સુધી પાર્ટી દ્વારા તેને માન્યતા આપવામાં ન આવે ત્યાં સુધી પત્ર મીડિયા સાથે શેર કરવામાં નહીં આવશે.
ખાનના માર્ગદર્શનમાં પાર્ટીના પ્રવક્તા રઉફ હસન દ્વારા આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જોર્જીવાને સંબોધિત પત્ર જોયો છે. પત્રની શરૂઆત એ સ્પષ્ટતા સાથે થાય છે કે પાર્ટી પાકિસ્તાનને આઇએમએફની સુવિધાની વિરુદ્ધ નથી. પત્રમાં લખવામાં આવ્યું છે કે પીટીઆઈ પાર્ટી પાકિસ્તાનને આઇએમએફની મદદના માર્ગમાં કોઈ અવરોધ ઉભો કરવા માંગતી નથી પરંતુ આઇએમએફની મદદ સાથે કેટલીક શરતો જોડવી જોઈએ.