આર્થિક અને સામાજીક સશક્તિકરણની પરિક્લ્પનાને ચરિતાર્થ કરતી ડો. સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના

ખેડા જીલ્લાના આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતિને મળી રૂ.2.5 લાખની સહાય, બચત ખાતામાં પૈસા જમા કરી કર્યુ પુત્રનું ભાવી સુરક્ષિત.

ખેડા જીલ્લામાં વર્ષ 2023-24 દરમિયાન ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત કુલ 42 લાભાર્થીઓને રૂ. 80 લાખની સહાય મળેલ છે.

સબકા સાથ સબકા વિકાસ સૂત્રને ચરિતાર્થ કરતી આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં દંપતિને મળે છે રૂ. 2.5 લાખની સહાય.

સામાજીક સમરસતા માટે સરકારની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના.

ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે.

સબકા સાથ સબકા વિકાસના ધ્યેયમંત્રને વરેલી ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી રાજ્યના નાગરીકોના સર્વાંગી વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, પાણી, સિંચાઈ સહિતની પાયાની સુવિધાઓથી આજે રાજ્યના નાગરીકોની જીવનધોરણનું સ્તર સારૂ બન્યુ છે.

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન સંબધને ખૂબ જ મહત્વુપર્ણ માનવામાં આવ્યો છે. સામાજીક એકતા અને સમરસતાને ફક્ત સૈદ્ધાતિંક બાબત ન ગણતા પરીણામલક્ષી બનાવવા હેતુ ગુજરાત સરકાર દ્વારા ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય શરૂ કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અસ્પૃશ્યતાને સમાજનું કલંક ગણાવ્યુ હતુ. અને ભારતના બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરે જીવન પર્યંત સમાજના શોષિત અને પિડિત વર્ગ માટે કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ અપાવવા સંધર્ષ કરીને ભારતીય સમાજને સામાજીક વ્યવસ્થા તરફ આત્મચિંતન કરવા પ્રેરણા આપી હતી.

ભારતના આ મહાપુરૂષોના સામાજીક સૌહાર્દના સંદેશને આગળ ધપાવતી ગુજરાત સરકારની ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના સામાજીક ભેદને ઓછો કરવામાં ક્રાતિંકારી યોજના છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને હિન્દુ ધર્મની બિન-અનુસૂચિત જાતિ સમાજના યુવાન, યુવતીઓને પરસ્પર લગ્ન કરવા માટે સરકાર દ્વારા રૂ. 2.5 લાખની લગ્ન સહાય આપીને સામાજીક અને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવે છે.

નડિયાદનાં યોગીનગરના જીગ્નેશભાઈ દશરથભાઈ દરજી અને ખેડા તાલુકાના રસુલપુર ગામના સોનલબેન કનુભાઈ રોહિતને આંતરજ્ઞાતિય લગ્ન કરવા બદલ ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય માંથી રૂ.2.5 લાખની સહાય મળી છે. સ્વીટી ઈન્ડસ્ટ્રીઝ, પાર્લે, જીઆઈડીસી, નડિયાદમાં વર્કર તરીકે જોબ કરતા જીગ્નેશભાઈ દરજી જણાવે છે કે આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાયમાંથી મળેલ રૂ. 2.5 લાખની રકમથી તેમનો ઘણો લાભ થયો છે. આજે આ પૈસાથી તેમણે પોતાના 10 માસના પુત્રના નામે એફ.ડી કરાવીને પોતના બાળકનુ ભવિષ્ય સુરક્ષિત કરવાનુ કાર્ય કર્યુ છે.

ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના વિશે માહિતિ આપતા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખેડા-નડિયાદ, ધવલ કારેથા જણાવે છે કે ડિરેક્ટર ઓફ સેડ્યુલ કાસ્ટ વેલ્ફર હેઠળ આંતરજ્ઞાતિય લગ્નમાં બે માંથી કોઈ એક વ્યક્તિ અનૂસૂચિત જાતિની હોય ત્યારે આ સહાય આપવામાં આવે છે. કુલ 2.5 લાખની સહાય પૈકી રૂ. 1 લાખ પોસ્ટ ખાતામાં બચત યોજનામાં જમા કરાવવામાં આવે છે અને બાકીના 1.5 લાખની સહાય થી લાભાર્થી ઘર-વખરીની ચીજ-વસ્તુઓ ખરીદી શકે છે. સાથે જ આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં સહાય મેળવવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ યોજનાકીય સહાય લાભાર્થીના ખાતામાં સીધી જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) થી જમા થશે.

નોંધનીય છે કે ખેડા જીલ્લા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા જીલ્લામાં વર્ષ 2023-24 સુધીમાં ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત કુલ 42 લાભાર્થીઓને રૂ. 80 લાખની સહાય મળેલ છે.

શુ છે ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના?

ગુજરાત સરકાર દ્વારા હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરસતા લાવવાનાં ભાગરૂપે ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના વર્ષ 2000 થી અમલમાં મુકેલ છે. જેમાં રૂ.1,00,000/-ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.1,50,000/- રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. 2,50,000/-ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા https://esamajkalyan.gujarat.gov.in/પર ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે

ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે પાત્રતા…

આ સહાય મેળવવા માટે અરજી કરનાર દંપતિમાંથી કોઈ ઓછામાં ઓછુ કોઈ એક ગુજરાતના મુળ વતની હોવા જોઈએ. આ અરજી લગ્નના બે વર્ષની સમયમર્યાદામાં કરવાની રહેશે. તે સિવાય, વિધુર અથવા નિ:સંતાન વ્યક્તિ ફરીથી લગ્ન કરે તો પણ આ પ્રોગ્રામ સહાય આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ…

ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનો લાભ લેવા માટે અરજદારે લગ્ન સમયે જો અરજદાર પરણિત હોય તો છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ, લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો મરણનો દાખલો, લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ, લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો મરણનો દાખલો, આધારકાર્ડ, જાતિનું પ્રમાણ પત્ર, શાળા છોડયાનો દાખલો, યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર, યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક), લગ્ન નોંધણીનુ પ્રમાણ પત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું), એકરારનામું, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજુ કરવામાં આવતું ફોર્મ (લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ) આપવાના રહે છે.