- છેલ્લા ૯ વર્ષોમાં સમગ્ર રાજ્યના ૧૨.૭૫ કરોડથી વધુ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી
ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા દર વર્ષે રાજ્યના કરોડો બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. છેલ્લા એક જ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩માં આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ૧ કરોડ ૩૫ લાખ ૧૯ હજાર ૩૮૧ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૧૪થી અત્યારસુધીમાં એટલે કે છેલ્લા ૯ વર્ષોમાં સમગ્ર રાજ્યના ૧૨.૭૫ કરોડથી વધુ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી છે. જેમાંથી ૧,૩૯,૩૬૮ બાળકોને હૃદય સંબંધિત સર્જરી અને સારવાર, ૧૭,૫૫૬ બાળકોને કિડની સંબંધિત સારવાર, ૧૦,૮૬૦ બાળકોને કેન્સરની સારવાર, ૧૭૭ બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ, ૨૬ બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ, ૧૯૮ બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, ૨૭૩૮ બાળકોને કોક્લીયર ઈમપ્લાન્ટ સર્જરી, ૬૯૮૭ બાળકોને ક્લબ ફૂટ, ૬૦૬૪ બાળકોને ક્લેફ્ટ લિપ પેલેટની સારવાર પૂરી પાડવામાં આવી છે.
વર્ષ ૨૦૨૨-૨૩ની વાત જો કરવામાં આવે તો ૧૭,૫૪૪ બાળકોને હૃદય સંબંધિત સારવાર, ૭૨૪ બાળકોને કિડની સંબંધિત, ૩૩૭ બાળકોને કેન્સરની સારવાર, ૧૩ બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ, ૧ બાળકને લીવર ટ્રાન્સપ્લાન્ટ, ૧૦ બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, ૨૯૭ બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી, ૯૫૨ બાળકોને ક્લબ ફૂટ, ૩૧૫ બાળકોને ક્લેફ્ટ લિપ પેલેટની સારવાર પૂરી પાડવામાં આવી છે.
શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયની સર્જરીની સારવાર લેનાર શાહનવાઝ નાસિરખાન પઠાનના માતા શાહજહાન પઠાન જણાવે છે કે, મારા પાંચ વર્ષના દીકરાને ન્યુમોનિયા થયા બાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની તપાસ કરાવતા તેના હૃદયમાં કાણું હોવાની જાણ થઈ હતી.
તમામ રિપોર્ટ કરાવ્યા બાદ તરત દીકરાને યુ.એન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી હતી. આજે દીકરાની તબિયત સ્વસ્થ છે અને સર્જરી બાદ પણ કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો નથી. આ માટે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ. આજના સમયમાં જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ રહી છે ત્યારે સરકારની આ સહાયથી પરીવાર પર આર્થિક બોજો નથી પડી રહ્યો.
ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના જન્મથી ૧૮ વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે માટે બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર તેમજ રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓ રાજય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે.શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિર્ધારિત પ્લાન મુજબ નવજાત શિશુથી માંડીને ૫ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧૨માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના તમામ બાળકોને આરબીએસકે મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે.