એરિઝોનાની કોર્ટે ગર્ભપાત પરના ૧૬૦ વર્ષ જૂના પ્રતિબંધને યથાવત્ રાખ્યો

વોશિગ્ટન, અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તે દરમિયાન ચૂંટણીના સંદર્ભમાં મહત્વના રાજ્ય એરિઝોનાની ટોચની અદાલતે એક ચુકાદો આપતાં રાજકારણ ગરમાયું છે અને ચૂંટણીની દૃષ્ટિએ તે મુદ્દો મહત્વનો બની રહ્યો છે.એરિઝોનાની ટોચની કોર્ટે એક ચુકાદો આપતાં ગર્ભપાત પર અમલી ૧૬૦ વર્ષ જૂના પૂર્ણ પ્રતિબંધને યથાવત રાખ્યો છે.

ગર્ભપાત પ્રતિબંધની જોગવાઇ મુજબ કોર્ટના ચુકાદાથી વિરુદ્ધ જઇને ગર્ભપાત કરનાર તબીબને પાંચ વર્ષની જેલની સજા થઇ શકે છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેને એરિઝોના કોર્ટના ચુકાદાને ક્રૂર પ્રતિબંધ કહીને ચુકાદાની ટિકા કરી હતી. જોકે એરિઝોના કોર્ટે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૨માં આપેલા ચુકાદાને પણ ટાંક્યો હતો. સુપ્રીમ કોર્ટના તે ચુકાદાએ ગર્ભપાત સુધીની પહોંચની રાષ્ટ્રવ્યાપી ગેરંટીને જ રદ કરી દીધી હતી. જોકે એરિઝોના કોર્ટના આ ચુકાદાએ મોટો કાનૂની અને રાજકીય વિવાદ સર્જી દીધો છે.

એરિઝોનાના ડેમોક્રેટ સમર્થક એટર્ની જનરલ ક્રિસ મેયસે જ કોર્ટ ચુકાદા સામે સૌ પ્રથમ વિરોધ નોંધાવ્યો હતો. એટર્ની જનરલે સોગંદ કર્યા હતા કે કોર્ટના આ ચુકાદાનો અમલ નહીં થવા દઉં. તેમણે આ ચુકાદો જડવત અને સ્વતંત્રના અપમાન બરોબર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કાયદાનો મુસદ્દો ૧૫૦ વર્ષ પહેલાં તૈયાર થયો હતો કે જ્યારે એરિઝોના એક અલગ રાજ્ય પણ નહોતું. દેશમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં મહિલાઓને મતદાનનો પણ અધિકાર નહોતો. તે કાળ અમેરિકી ઇતિહાસના કાળા કાયદા જેવો હતો. તેમણે કહ્યું કે, ’હું જ્યાં સુધી રાજ્યનું એટર્ની જનરલ પદ સંભાળી રહી છું, ત્યાં સુધી કોઇપણ મહિલા અને કોઇપણ તબીબ વિરુદ્ધ આ કાયદા હેઠળ કેસ ચલાવવામાં નહીં આવે.’ અમેરિકી પ્રમુખ બાઇડેને ચુકાદોની ટીકા કરતાં કહ્યું હતું કે રિપબ્લિકન્સ મહિલાના અધિકાર છીનવી રહ્યા છે.