સ્થિતિ પર કાબૂ મેળવવા વાનોની પોસ્ટિંગમાં રોટેશન પોલિસીનું પાલન કરવામાં આવે. તેનાથી જવાનો વધારે સમય સુધી કઠોર પોસ્ટિંગ પર ન રહે : સંસદીય સમિતિ
અર્ધસૈનિક દળોના જવાનોના નોકરી છોડવાના દરે ચિંતા વધારી દીધી છે. ગૃહ વિભાગ સાથે સંકળાયેલી એક સંસદીય સમિતિના રિપોર્ટમાં માહિતી મળી કે દેશના ૬ અર્ધસૈનિક દળોમાંથી લગભગ ૫૦૧૫૫ કર્મચારીઓ ગત ૫ વર્ષમાં નોકરી છોડી ગયા. સમિતિએ તેના રિપોર્ટમાં કહ્યું કે આ સ્તર દળોમાં કામ કરવાની સ્થિતિને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે કામ કરવાની સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ સુધારા માટે તાત્કાલિક ઉપાયો કરવામાં આવે.
રિપોર્ટ અનુસાર ૨૦૨૧-૨૨માં આસામ રાઈફલ્સ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ (સીઆઇએસએફ)માં નોકરી છોડવાના દરમાં વધારો નોંધાયો છે. બીએસએફ, સીઆરપીએફ અને આઈટીબીપીમાં આ મામલે સ્થિતિ સમાન જ જોવા મળી. આ દરમિયાન સશસ્ત્ર સરહદી દળ (એસએસબી)મામલે ગત વર્ષના આંકડાઓની તુલનાએ ઘટાડો થયો હતો. ૨૦૧૮ અને ૨૦૨૨ વચ્ચે સુરક્ષાદળો છોડી જનારા ૫૦૧૫૫ કર્મચારીઓમાંથી સૌથી વધુ બીએસએફ(૨૩૫૫૩) હતા અને તેના પછી સીઆરપીએફ(૧૩૬૪૦) અને સીઆઇએસએફ(૫૮૭૬) હતા. ૨૦૨૧ અને ૨૦૨૨ વચ્ચે આસામ રાઈફલ્સમાં નોકરી છોડનારા સુરક્ષાકર્મીઓની સંખ્યા ૧૨૩થી ૫૫૭ સુધી હતી અને સીઆઇએસએફમાં ૯૬૬થી વધીને ૧૭૦૬ થઈ ગયા છે. જોકે એસએસબીમાં ૫૫૩થી ઘટીને ૧૨૧ થઈ ગયા છે.
એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાદળોમાં આ સમસ્યા જૂની થઈ ગઈ છે. અનેક રિપોર્ટ અને ભલામણો બાદ પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. જોકે જવાનોના કલ્યાણ માટે અનેક પગલાં ભરાયા છે. પણ સમયસર બઢતી ન મળવા, લાંબા સમય સુધી કઠોર તહેનાતી, કારકિર્દીની ચિંતા, સ્વાસ્થ્ય સંબંધિત કારણો કે પારિવારિક કારણોથી જવાનો વીઆરએસ કે રાજીનામુ આપી દેવા જેવા પગલાં ભરી રહ્યા છે. નામ નહીં છાપવાની શરતે કમાન્ડન્ટ સ્તરના એક અધિકારીએ કહ્યું કે જવાનોની ઓછી સંખ્યાને લીધે ૧૦૦ દિવસ રજા આપવી શક્ય થતું નથી. સાથે જ રોટેશન નીતિનું કઠોરતાથી પાલન થઈ રહ્યું નથી. નીચલા સ્તરે બઢતીની ઝડપ પણ અપેક્ષાને અનુરુપ નથી. જોકે અગાઉની તુલનાએ સ્થિતિમાં સુધારો થયો છે. પહેલા એક જ પોસ્ટ પર નોકરી કર્યા બાદ પણ પ્રમોશન મળતું નહોતું.
૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન ૬૫૪ જવાનો દ્વારા આપઘાત કરી લેવાના મામલા સામે આવ્યા. સીઆરપીએફમાં ૨૩૦ અને બીએસએફમાં ૧૭૪ જવાનોના મોત થયા. આસામ રાઈફલ્સમાં ૪૩ મોત થયા. ગૃહ મંત્રાલયે સંસદમાં એક જવાબમાં કહ્યું હતું કે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તે આપઘાત રોકવા માટે યોગ્ય પગલાં સૂચવશે.
સંસદીય સમિતિએ સ્થિતિને નિયંત્રણમાં લેવા જે સૂચન કર્યા
૧. સમિતિના રિપોર્ટમાં ભલામણ કરાઇ છે કે જવાનોની પોસ્ટિંગમાં રોટેશન પોલિસીનું પાલન કરવામાં આવે. તેનાથી જવાનો વધારે સમય સુધી કઠોર પોસ્ટિંગ પર ન રહે.
૨. નોકરી છોડનારા જવાનોનું કારણ શોધવા માટે સરવે કરાવામાં આવે.
૩. કારણો જાણવા માટે યોગ્ય પગલા ભરવા સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ કે રાજીનામાના વિકલ્પ પસંદ કરનારા જવાનોના એક્ઝિટ ઈન્ટરવ્યૂ લેવામાં આવે.