અરવલ્લીના ધનસુરામાં ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર યુવકને ૨૦ વર્ષની સખત કેદની સજા

અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આઠ માસ અગાઉ એક યુવકે ૯ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. દુષ્કર્મની ઘટનાને લઈ ધનસુરા પોલીસે ગુનો નોંધીને આરોપી યુવકને ઝડપી લીધો હતો. ઘટના અંગે મોડાસા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી યુવકને સજાનો હુકમ કરાયો છે. આરોપી યુવકને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

છોટા ઉદેપુર વિસ્તારમાંથી ખેત મજૂરી કરવા માટે એક પરિવાર ધનસુરા તાલુકામાં આવ્યો હતો. જ્યાં ખેતરમાં કામ કરીને આવક રળીને પરિવાર ગુજરાન કરતુ હતુ. આ દરમિયાન નજીકમાં રહેતા એક શ્રમીક યુવકે ૯ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતી.

ગત ૩૦, જૂન ૨૦૨૩ ના રોજ આ ઘટના નોંધાઇ હતી. ગાંધીનગર જિલ્લાના ચૌધરી વાસણા ગામનો યુવક રાજુ બાબુભાઇ વાઘેલા શ્રમીક તરીકે ધનસુરા વિસ્તારમાં રહેતો હતો. તે પણ પરિવાર સાથે અહીં આ વિસ્તારમાં શ્રમીક તરીકે રહેતો હતો. આ દરમિયાન નજીકમાં જ રહેતા ખેત શ્રમીક પરિવારની ૯ વર્ષની માસૂમ બાળકી પર નજર બગાડી હતી.

બાળકીનો પરિવાર ખેતરમાં કામ કરવા માટે ૫૦૦ મીટર દૂરના સ્થળે ગયો હતો. આ દરમિયાન ખેતરની કાચી ઓરડીમાં રહેતા પરિવારની માસુમ બાળકીની એકલતાનો લાભ લઇને તેને મોબાઇલ બતાવવાનો અને રમાડવાની લાલચ આપી હતી. આમ બાળકીને લાલચમાં ફોસલાવીને નજીકમાં એકાંત જગ્યામાં લઇ જઇને તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ.

ઘટના બાદ મોડાસા ડીવાયએસપી કેજે ચૌધરી સહિત સ્થાનિક પોલીસના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ફરાર ૩૦ વર્ષના યુવક રાજુ વાઘેલાને ઝડપી લેવા માટે ટીમો રચવામાં આવી હતી. જેને લઈ આરોપી ઝડપાઇ આવ્યો હતો. ઘટના અંગે મોડાસા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં કેસ ચાલી જતા સરકારી વકીલ ડીએસ પટેલની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી રાજુ વાઘેલાને દોષીત ઠેરવી સજા સંભળાવાઇ હતી.

મોડાસા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના જજ એચએન વકીલે આરોપી રાજુ બાબુભાઈ વાઘેલાને ૨૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. તેમજ ૪ લાખ રુપિયા વળતર પેટે ચૂકવી આપવા માટે આદેશ કર્યો હતો.