- જો દેવચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું રહેવાની માન્યતા… આદિવાસીઓ દ્વારા દેવચકલીને પકડી ઘી-ગોળ ખવડાવી વર્ષફળ જોવાની અનોખી પરંપરા
અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણની અનોખી ઉજવણી કરવામાં આવી. અહીના ભિલોડાના વાંકા ટીબાગામે દેવચકલી પકડવાની પરંપરા વર્ષોથી પાળવામાં આવી છે. જેમાં દેવચકલીને ગોળ અને તલ ખવડાવવામાં આવે છે. દેવચકલીને હુડ હુડ કહીને ખુલ્લા આકાશમાં ઉડાડવામાં આવે છે. જો દેવચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું રહેવાની માન્યતા છે. વર્ષોની પરંપરાથી સ્થાનિક લોકો ઉત્તરાયણનો પર્વ ઉજવે છે.
અરવલ્લી જિલ્લાના ચાર જેટલા ખાસ આદિવાસી વસ્તી ધરાવતા ભિલોડા, મેઘરજ, શામળાજી, તાલુકાઓના આદિવાસી જ્ઞાતિના મોટા ભાગના ગામોમાં આદિવાસી ભાઈ-બહેનોના ઉતરાયણનો તહેવાર ખુબજ અનોખી રીતે ઉજવે છે. આ અનોખી ઉજવણી પાછળનો મુખ્ય હેતું આખા વર્ષનું વર્ષ ફળ નક્કી કરવાનું હોય છે આજે પરંપરાગત રીતે ઉજવાય છે. આદિવાસીઓ દેવચકલીને ખૂબ જ શુકનિયાળ ગણે છે.
મેઘરજના મોટી મોરી વિસ્તારના આદિવાસી લોકો ઢોલ વગાડી મુખીના ઘેર ભેગા તઈ સુકન જોઈ સમૂહમાં વન વગડે નીકળે છે અને વાળુ તથા ઝાડ ઉપર દેવચકલીને શોધે છે. દેવચકલીને તેઓ પૂજનીય ગણે છે. દેવચકલીને પકડીને કંકુ ચોખાથી પૂજન કરે અને ઘેર-ઘેર ફરી સૌને દર્શન કરાવે છે. દર્શન અને પૂજન કર્યા પછી દેવ ચકલીને ઉડાડવામાં આવે છે. દેવચકલી ક્યા જઈને બેસે છે, તે અગત્યનું હોય છે. તેના ઉપરથી આગામી વર્ષની આગાહી થાય છે. ત્યારબાદ દેવચકલીને ગામના મંદિરે લાવવામાં આવે છે અને દેવ-દેવીઓની સાક્ષીએ દેવચકલીને એક પાત્રમાં રાખેલા ઘી-ગોળ ખવડાવા માં આવે છે અને ત્યારબાદ આગેવાન આ દેવચકલીને ઉડાડી મૂકે છે. પછી ગામજનોનું દેવચકલી જે તરફ જાય ત્યાં પાછળ દોડી દેવચકલી ક્યાં બેસે છે તે જુએ છે. ઘી-ગોળ ખાઈને ઉડેલી દેવચકલી જેવા વૃક્ષ પર બેસે તે પરથી વર્ષ ફળ નક્કી કરવામાં આવે છે.
જો દેવ ચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષફળ સારું અને સૂકા ઝાડ પઈ જઈ બેસે તો નબળું આવે અને વાડ ઘર કે જમીન ઉપર બેસે તો વર્ષ મધ્યમ આવશે. તેવી આગાહી કરવામાં આવે છે. તેના પરથી આદિવાસી લોકો આખા વર્ષનો વર્તારો કાઢતા હોય છે. \
આ વર્ષે દેવચકલી લીલા ઝાડ પર જઈને બેસી હતી. તેથી આ 2024 નું વર્ષ સારું જશે અને બધા લોકોને ફળશે.