રાજ્યના આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બીમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે.
આજે વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં યોજનાના પ્રશ્ર્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીઓ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ ૬૬,૪૬૦ દર્દીઓને રૂ. ૧૪૬ કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં ૯૧ અને અરવલ્લી જિલ્લામાં ૫૯ હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે.
મંત્રી પટેલે ઉમેર્યું કે, ગરીબ-મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ ચીંયો છે. રાજ્યમાં માં અમૃતમ યોજના શરૂ કરી હતી જે સફળ થતાં સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમજેએવાય યોજના શરૂ કરી છે જેના લાભો દેશવાસીઓને મળતા થયા છે. આ યોજના હેઠળ રૂપિયા ૧૦ લાખ સુધીની સહાય ગંભીર રોગોની સારવાર પૂરી પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના પ્રત્યેક જિલ્લામાં નાગરિકોને પીએમજેએવાય યોજનાના લાભો સત્વરે મળતા થાય તે માટે ખાનગી હોસ્પિટલોમાં કાર્ડના જે દર નિયત કરાયા છે તે મુજબ સારવાર આપવા માંગતા હોય તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ખાનગી હોસ્પિટલોને આ યોજના હેઠળ લાભ આપવા માટે લાયક ગણીને જોડવામાં આવે છે. રાજ્યમાં સરકારી તબીબીકોલેજો,ગ્રીનફિલ્ડ કોલેજો, બ્રાઉન ફિલ્ડ કોલેજોમાં પણ પીએમજેએવાય યોજનાના લાભો આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.