- ગઈકાલે પોરબંદરના દરિયામાંથી ૯૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.
અમદાવાદ, ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારબોર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ગુજરાતના દરિયામાંથી અત્યારસુધીમા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ફરી એકવાર અરબ સાગરથી ૧૭૩ કિલો ડ્રગ્સ ઝડપાયું છે. સાથે જ બે માછીમારોની ધરપકડ પણ કરવામાં આવી છે. અરબ સાગરમાંથી સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટુ ઓપરેશન પાર પાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પોરબંદરના દરિયામાંથી ૯૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ૯૦ કિલો હેરોઈન સાથે ૧૪ પાકિસ્તાની નાગરિકો ઝડપાયા હતા. આ ડ્રગ્સને ભારત લાવવામાં આવી રહ્યું હતું. સફળ ઓપરેશન હાથ ધરી હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને પાકિસ્તાની બોટ વચ્ચે ફાયરિંગ પણ થયું હતું. જેમાં પાકિસ્તાની બોટ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડનાં જહાજો અને એરક્રાફટ મિશન પર તહેનાત કરવામાં આવ્યાં હતાં.આઇસીજી જહાજ રાજરતન, જેમાં એનસીબી અને એટીએસ અધિકારીઓ હતા, તેમણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નથી અને ટ્રેપ સફળ થઈ હતી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરીને સંપૂર્ણ તપાસ કર્યા પછી મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી.