અપ્રમાણસર સંપત્તિના કેસમાં સીબીઆઇના દરોડા

  • નિવૃત્ત રેલવે અધિકારી પાસેથી મળ્યું ૧૭ કિલો સોનું અને રોકડા ૧.૫૭ કરોડ રૂપિયા.

ભુવનેશ્ર્વર,

અપ્રમાણસર સંપત્તિના કેસમાં સીબીઆઇએ ભુવનેશ્ર્વરમાં ભારતીય રેલવેના ૮૯ બેચના નિવૃત્ત અધિકારી પ્રમોદ કુમાર જૈનાના ઘરેથી રૂ. ૧.૫૭ કરોડ, ૧૭ કિલો દાગીના જપ્ત કર્યા છે. જ્વેલરીની કિંમત ૮ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સીબીઆઈના સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. આ સાથે અનેક મિલક્તના પ્લોટના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. પ્રમોદ કુમાર જૈના ઈસ્ટ કોસ્ટ રેલ્વેના ચીફ ઓપરેશન મેનેજર હતા.

સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રમોદે ૧,૯૨,૨૧,૪૦૫ રૂપિયાની સંપત્તિ બનાવી છે, જે તેની આવક કરતાં ૫૯.૦૯ ટકા વધુ છે. ૩ જાન્યુઆરીએ પ્રમોદ કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૦૫માં તેમની સંપત્તિ ૪,૫૪,૪૧૨ હતી જેમાં બેંક બેલેન્સ અને પ્લોટનો સમાવેશ થાય છે.

પ્રમોદ કુમાર જૈના ૧૯૮૭માં રેલવેમાં જોડાયા હતા. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ પ્રોપર્ટી ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૩૧ માર્ચ ૨૦૨૦ દરમિયાન ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. ભુવનેશ્ર્વરમાં હજુ પણ સીબીઆઈના દરોડા ચાલુ છે. દરોડામાં આટલી સંપત્તિ જોઈને સીબીઆઈ પણ વિશ્ર્વાસ કરી શક્તી નથી. આટલી અપ્રમાણસર સંપત્તિ જોઈને અધિકારીઓ પણ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયા.

અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ૪ જાન્યુઆરીએ સીબીઆઈની ટીમોએ રિટાયર્ડ રેલવે અધિકારીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ભુવનેશ્ર્વર સહિત ૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પહેલા દિલ્હી સચિવાલય સ્થિત સીબીઆઇના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ઓફિસ પર દરોડા પાડવાના સમાચાર સામે આવ્યા હતા. આ દરમિયાન મનીષ સિસોદિયાએ સીબીઆઈ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સીબીઆઈ મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમના દ્વારા હેશ વેલ્યુ આપ્યા વિના તેમની ઓફિસમાંથી કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું છે.

મનીષ સિસોદિયાએ કહ્યું છે કે મને આશંકા છે કે સીબીઆઈએ ગોપનીય દસ્તાવેજો ડીલીટ કરવા માટે કોમ્પ્યુટર જપ્ત કર્યા છે. સીબીઆઈની ચાર્જશીટમાં મારું નામ નથી. આ સ્થિતિમાં સીપીયુમાં ફાઈલો લગાવીને મને ખોટી રીતે ફસાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.