દક્ષિણ ગુજરાતમાં ભરૂચના ઝઘડિયામાં એક બાળકી પર દુષ્કર્મ બાદ આચરેલી બર્બરતાથી તેનું સારવારના 8મા દિવસે મોત થયું હતું. ત્યારે વલસાડના વાપીના છીરીમાં અપહરણ કરાયેલા બાળકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને તેને મોતને ઘાટ ઉતારાયો હતો, પોલીસે 26મી ડિસેમ્બરે મળેલી બાળકની લાશનું ફોન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપી માસૂમ બાળકને 10 રૂપિયાના કુરકુરે લઈ આપવાની લાલચ આપીને ઝાડીમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ કુકર્મ આચરીને બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે આરોપીને દબોચી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપીને વાપીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો. DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને જજ વી કે પાઠકે આરોપીના 30 ડિસેમ્બર સાંજ સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે.
ગણતરીના કલાકોમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે દમણથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તે આરોપી શિવાકુમાર ઉર્ફે શિવા કાંતારવિદાસ દાસને વાપીની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી ડુંગરા પોલીસની ટીમે રિમાન્ડની માંગણી કતી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સ્પેશિયલ કોર્ટના ઇન્ચાર્જ જજ વી. કે. પાઠકે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડુંગરા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ SP ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરે રાત્રે 9થી 9:30 વાગ્યા દરમિયાન બાળક ગુમ થયું હતું. મૂળ બિહારના ભાગલપુરનો પરિવાર વરિયાવળ વિસ્તારમાં રણછોડનગરની ચાલીની બહાર તેમની નાની દુકાન જેવું છે તેમાં રહે છે. બાળક મોટા ભાગના સમયમાં માતા-પિતા સાથે રમતું હોય છે. બાળક ન મળતાં ચાલીમાં રહેતા પોતાના સગાં-વહાલાંના ઘરે તપાસ કરી હતી. જોકે રાત્રે કોઈ પોલીસ કમ્પ્લેન આપી ન હતી. બીજા દિવસની સવાર સુધી બાળક ન મળતાં 11 વાગ્યાની આસપાસ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
બાળક આખી રાત મળ્યું નહિ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ડુંગરા પોલીસ સ્ટેશન, વાપી ટાઉન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ડીવાયએસપી અને એસીપી સહિતનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. આખા વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, સાથે સાથે રણછોડનગર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિ સાથે બાળક ચાલતું જતું દેખાયું હતું. જે વિસ્તાર તરફ તે વ્યક્તિ સાથે બાળક જઈ રહ્યું હતું, એ વિસ્તારમાં આખો ઝાડીવાળો એરિયા, ખુલ્લું મેદાન હતું. આજુબાજુની કંપનીના મજૂરો અને સ્થાનિક લોકોનું પોલીસે ડ્રોન દ્વારા સર્ચ કર્યું હતું.
SPએ દુઃખ સાથે જણાવ્યું હતું કે અનફોર્ચ્યુનેટલી બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળ્યું હતું. ત્યારબાદ એફએસએલ અને ડોગ-સ્ક્વોડને બોલાવી હતી. બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ થયું અને ધારદાર હથિયાર વડે તેની હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું છે. એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો ઉમેરવામાં આવી છે. ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ હતી તેને રાત્રે ને રાત્રે જ પકડી પાડવામાં આવી હતી. આરોપીનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ, ભાગલપુર બિહારનો છે. આરોપી જ્યાં બાળક ગુમ થયું ત્યાં ઓરડી રાખીને રહે છે. તે અપરિણીત છે અને તેણે જ બાળકની હત્યા કરી છે. દુષ્કર્મ આચરવાના ઈરાદે તેને ઝાડીમાં લઈ ગયો હતો. દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી. તેણે બાળકને 10 રૂપિયા નાસ્તો કરવા આપીશ એવી લાલચ આપીને તેની સાથે લઈ ગયો હતો. ઝાડીમાં ઊંચકીને લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી.
પોલીસે ઘટનાસ્થળ નજીકના CCTV કેમેરા ચેક કરતાં એક શંકાસ્પદ ઈસમ પાછળ બાળક જતું જોવા મળ્યું હતું. થોડીવાર બાદ શંકાસ્પદ ઈસમ એકલો પરત આવતાં CCTVમાં કેદ થયો હતો. જ્યારે નજીકની ઝાડી ચેક કરતાં ત્યાં હત્યા થયેલી હાલતમાં બાળકની લાશ મળી આવી હતી. વલસાડ પોલીસે લાશનો કબજો મેળવી લાશનું PM કરાવતાં બાળકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. એને લઈને અપહરણની ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરી CCTV ફૂટેજના આધારે શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. એમાં પોલીસને સફળતા હાથ લાગી હતી અને આરોપી પકડાયો હતો.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી વિસ્તારમાં રહેતા એક પરિવારનો 7 વર્ષનો પુત્ર 25 ડિસેમ્બરની રાત્રે 9 કલાકે તેના પિતાની નાસ્તાની લારી ઉપરથી 10 રૂપિયા લઈને નજીકમાં આવેલી દુકાનમાં કુરકુરે લેવા જવાનું જણાવી ગયો હતો. એ બાદ બાળક પરત ન આવતાં પરિવારના સભ્યોએ તાત્કાલિક આજુબાજુના વિસ્તારમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી. રાતભર બાળકની તપાસ કર્યા બાદ બાળક ન મળતાં છેવટે 26 ડિસેમ્બરના રોજ બાળકના પરિવારે ડુંગરા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. ડુંગરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.