એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, એક ભારતીય મૂળના નાગરિકનું મોત, ૧૭ ઘાયલ

ન્યૂયોર્ક , વિશ્વમાં છેલ્લા ઘણા દિવસોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે ત્યારે શુક્રવારે ન્યૂયોર્ક શહેરમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ૧૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ન્યૂયોર્કના હાર્લેમ સ્થિત એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગમાં લાગી હતી, જેમાં ૨૭ વર્ષીય ભારતીય મૂળના નાગરિકનું મોત થયું હતું.

મૃતકની ઓળખ ફાઝીલ ખાન તરીકે થઈ છે. ન્યૂયોર્ક ફાયર વિભાગના જણાવ્યા અનુસાર સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટમાં શુક્રવારે લિથિયમ-આયન બેટરીના કારણે ભીષણ આગ લાગી હતી. અન્ય અહેવાલ મુજબ આ ઘટનામાં ૧૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકોએ આગથી બચવા માટે દોરડાનો સહારો લીધો હતો.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યું હતું કે ’ન્યૂયોર્કના હાર્લેમમાં આગની ઘટનામાં ૨૭ વર્ષીય ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને અમને ખુબ જ દુ:ખ થયું છે. અમે ખાનના પરિવાર અને મિત્રો સાથે સતત સંપર્કમાં છીએ. તેમજ ખાનના પાર્થિવ દેહને ભારત પરત લાવવા માટે દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.’ આ ઘટના પછી આખી બિલ્ડિંગને પૂરી રીતે ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.