અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાવવા માટે પગથિયાં ઘસી રહ્યાં છે.

ગાંધીનગર,

ભાજપે ગુજરાતમાં ૧૫૬ સીટો જીતીને નવો રેકોર્ડ તો બનાવી લીધો છે પણ હવે ભાજપ છોડીને અપક્ષમાંથી જીતીને ધારાસભ્ય બનનાર હવે ના ઘરના ના ઘાટના થઈ ગયા છે. એક સમયે ભાજપમાં હોવા છતાં ટિકિટ ન મળતાં બળવો કરી ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડીને પોતાનું કદ સાબિત કરનાર અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાવવા માટે પગથિયાં ઘસી રહ્યાં છે. જોકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમત હાંસલ કરનાર ભાજપને પણ તેમને ગરજ નથી. પાટીલ જાહેરમાં કહી ચૂકયા છે કે પાર્ટી સામે બળવો કરનારને ફરી સ્થાન અપાશે નહીં. આમ છતાં ગુજરાતમાં વિજેતા ૩ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં ગર્વનરને તો મળી આવ્યા હતા અને ખુલ્લેઆમ ભાજપને ટેકો જાહેર કરી દીધો હતો.

ગુજરાતમાં ભાજપમાંથી બળવો કરીને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત કુલ ત્રણ અપક્ષો ચૂંટાયા છે. અગાઉ આ ત્રણેય અપક્ષો રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષને મળીને ભાજપને સમર્થન જાહેર કરી ચૂક્યા છે. હવે તેમણે ભાજપ અધ્યક્ષ ને સમર્થન પત્ર સોંપ્યો છે. આથી, આ ત્રણેય આગામી ટૂંક સમયમાં ફરી ભાજપમાં સામેલ થઈ જશે મનાય છે.

ભાજપમાથી બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડીને ધારાસભામાં પહોંચેલા ધાનેરાના માવજી દેસાઈ અને બાયડના ધવલસિંહ ઝાલા પોતાના સમર્થકો સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને મળ્યા હતા. સવારે ગાંધીનગર સ્થિત પાટીલના નિવાસ્થાને આ મુલાકાત દરમિયાન બને અપક્ષોએ ભાજપમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે ભાજપના હાથમાં બોલ છે કે રન આઉટ કરવા કે સિક્સર ફટકારવી. ભાજપને હાલમાં ગરજ નથી જો, આ ધારાસભ્યો માટે દરવાજા ખુલ્લા નહીં કરે તો એમના માટે મુશ્કેલીઓ વધી શકે છે.

બાયડથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં ધવલસિંહ ઝાલા, વડોદરાના વાઘોડિયાથી અપક્ષ ચૂંટાયેલાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ્યારે ધાનેરાથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં માવજી દેસાઈ સહિત ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ધારાસભ્યોની શપથવિધિ પહેલાં જ ભાજપને પોતાનું સમર્થન જાહેર કરી દીધું હતું. તેઓએ જણાવ્યુ હતું કે, ત્રણેય પહેલાં ભાજપમાં જ હતા. તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઉમેદવારી કરી હતી. હવે જીત બાદ તેઓ ઘરવાપસી કરી રહ્યાં છે.