અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

નડિયાદ, તા. 24/06/2024 સુધીમાં અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે અરજી કરવાની રહેશે

રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન તમામ જીલ્લામાં કરવાનું નક્કી કરેલ છે. જે માટેરાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળનીકમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજીત અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનુ આયોજન કરવામાં આવનાર છે.

જે અંતર્ગત ખેડા જીલ્લાના પ્રત્યેક તાલુકા કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત સ્થળે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર જુલાઈ માસના અંતમાં યોજવામાં આવશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે શિબિરાર્થીના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષક દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.

આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છિત ખેડા જીલ્લાના માત્ર અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી તા. 24/06/2024 સુધીમાં ફોર્મ પરત મોકલી આપવા જીલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા – નડીઆદની યાદીમાં જણાવવામાં આવે છે.