
નવીદિલ્હી, ઉત્તરાખંડ વિધાનસભામાં ‘યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ ૨૦૨૪’ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના અરશદ મદનીએ આને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો અનુસૂચિત જનજાતિને આ બિલના દાયરાની બહાર રાખી શકાય છે, તો મુસ્લિમ સમુદાયને કેમ છૂટ ન મળી શકે?
મદનીએ કહ્યું કે, મુસ્લિમ સમુદાયને એવો કોઈ કાયદો સ્વીકાર્ય નથી, જે શરિયતની વિરુદ્ધ હોય. તેમણે કહ્યું કે અમે એવા કોઈપણ કાયદાને સ્વીકારતા નથી જે શરિયતની વિરુદ્ધ હોય, સત્ય એ છે કે કોઈપણ ધર્મનો અનુયાયી તેની ધામક પ્રવૃત્તિઓમાં કોઈપણ પ્રકારની અયોગ્ય દખલગીરી સહન કરી શક્તો નથી.
મદનીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડ વિધાનસભામાં ગઈકાલે રજૂ કરાયેલ યુનિફોર્મ સિવિલ કોડ બિલ અનુસૂચિત જનજાતિને બંધારણની જોગવાઈઓ હેઠળ નવા કાયદામાંથી મુક્તિ આપે છે અને દલીલ કરે છે કે બંધારણની કલમ ૨૧ હેઠળ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું છે. મદનીએ સવાલ કર્યો હતો કે જો બંધારણની કલમ હેઠળ અનુસૂચિત જનજાતિને આ કાયદાની બહાર રાખી શકાય છે તો બંધારણની કલમ ૨૫ અને ૨૬ હેઠળ અમને ધામક સ્વતંત્રતા કેમ ન આપી શકાય?
મદનીએ કહ્યું કે, બંધારણની કલમ ૨૫ અને ૨૬ હેઠળ નાગરિકોના મૂળભૂત અધિકારોને માન્યતા આપીને ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે સમાન નાગરિક સંહિતા મૂળભૂત અધિકારોને નકારી કાઢે છે. જો આ યુનિફોર્મ સિવિલ કોડ છે, તો પછી નાગરિકો વચ્ચે આ ભેદભાવ શા માટે? તેમણે કહ્યું કે અમારી કાનૂની ટીમ બિલના કાયદાકીય પાસાઓની સમીક્ષા કરશે, ત્યારબાદ કાનૂની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ મંગળવારે રાજ્યની વિધાનસભામાં બહુપ્રતિક્ષિત યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ રજૂ કર્યું, જે બહુપત્નીત્વ અને ‘હલાલા’ જેવી પ્રથાઓને ગુનાહિત બનાવવા અને ‘લિવ-ઇન’ યુગલોના બાળકોને જૈવિક અધિકારો ધરાવવા પર પ્રતિબંધ મૂકવા માંગે છે. રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિને UCC બિલના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ, ઉત્તરાખંડ-૨૦૨૪ બિલ, તેના પસાર થવા માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે રજૂ કરવામાં આવ્યું હતું, જે ધર્મ અને સમુદાયને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસો, મિલક્ત જેવા વિષયો પર સમાન કાયદાની દરખાસ્ત કરે છે.