અનુપમ ખેરે તેમના દિવંગત મિત્ર સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હત્યાની આશંકાઓ મુદ્દે તોડ્યુ મૌન

મુંબઈ,

બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે પોતાના દિવંગત મિત્ર, અભિનેતા સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી. ૯ માર્ચે હાર્ટ એટેકના કારણે સતીશ કૌશિકનું નિધન થઈ ગયુ હતુ. જે દિવસથી સતીશ કૌશિકનું અવસાન થયુ છે તે દિવસથી અનુપમ ખેર ગાઢ આઘાતમાં છે. તેઓ સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ શેર કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. અનુપમ ખેરે સતીશ કૌશિકની હત્યાની આશંકાઓ પર પણ મૌન તોડ્યુ છે.

અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ સતીશ કૌશિકની તસવીર પર ગુલાબની પાંખડીઓ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને પોસ્ટ કરતા અનુપમ ખેરે લખ્યુ, જા! તને માફ કર્યો! મને એકલો મૂકીને જવા માટે! હું તને લોકોના હાસ્યમાં ચોક્કસ શોધીશ. દરરોજ આપણી મિત્રતાને યાદ કરીશ. અલવિદા મારા દોસ્ત! બેકગ્રાઉન્ડમાં તારુ ફેવરિટ ગીત વગાડ્યુ છે! તુ પણ શું યાદ કરીશ!’’

ઉલ્લેખનીય છે કે સોમવારે મુંબઈમાં આયોજિત સતીશ કૌશિકની પ્રાર્થનાસભા બાદ અનુપમ ખેરે સતીશ કૌશિકની હત્યાની આશંકાઓ પર કહ્યુ હતુ કે મને લાગે છે કે આપણે તે માણસને આદરપૂર્વક રીતે વિદાય આપવી જોઈએ અને આ તમામ અટકળો લગાવવાનું બંધ કરી દેવુ જોઈએ, કેમ કે તેઓ ગરિમાપૂર્ણ રીતે પોતાનું જીવન જીવતા હતા. તેથી આપણે તેમને કોઈ પણ વિવાદ વિના વિદાય આપવી જોઈએ. આ તમામ અફવા આજે આ પૂજા સાથે જ સમાપ્ત થઈ જવી જોઈએ. પ્રાર્થનાસભામાં બોની કપૂર, ગુલશન ગ્રોવર, વિવેક અગ્નિહોત્રી, જાવેદ અખ્તર, જેકી શ્રોફ, વિદ્યા બાલન સહિત અમુક હસ્તીઓ સામેલ થઈ હતી.