અંતરિક્ષમાં ભારતની તાકાત વધશે,અવકાશ અર્થતંત્ર માટે રૂ. ૧૦૦૦ કરોડના ફંડની જાહેરાત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર મોદી ૩.૦નું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણામંત્રીએ ભારતીય અંતરિક્ષ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે પોતાના બજેટમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નાણામંત્રીએ કહ્યું કે આગામી દાયકામાં સ્પેસ ઈકોનોમી પાંચ ગણી વૃદ્ધિ પામશે. તે વેન્ચર કેપિટલ ફંડ છે. તેના દ્વારા અવકાશ ઉદ્યોગમાં રોકાણ કરવામાં આવશે.

અવકાશ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય અવકાશ અર્થતંત્ર હાલમાં ૮.૪ અબજ ડોલર એટલે કે ૭૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું છે. આગામી દાયકામાં તે રૂ. ૩.૬૮ લાખ કરોડને વટાવી જશે. એટલે કે વૈશ્ર્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનો હિસ્સો ૨ ટકાથી વધીને ૮ ટકા થશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના સાતમા બજેટમાં અવકાશ અર્થતંત્ર માટે રૂ. ૧,૦૦૦ કરોડના બૂસ્ટરની જાહેરાત કરી હતી. એટલે કે સ્પેસ સંબંધિત સંશોધન, કાર્યો અને મિશન વગેરે માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૦૦૦ કરોડની વધારાની રકમ આપવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી દસ વર્ષમાં અવકાશ અર્થવ્યવસ્થા પાંચ ગણી વધારવાનો પ્રયાસ છે. તેથી આ ક્ષેત્ર માટે આ રકમની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ભારતીય અવકાશ અર્થતંત્ર માટે રૂ. ૧૦૦૦ કરોડનું વેન્ચર કેપિટલ ફંડ શરૂ કરશે. આ નોંધપાત્ર રોકાણનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં નવા સ્ટાર્ટઅપ અને સંશોધન પહેલને સમર્થન આપીને અવકાશ અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આ જાહેરાત બાદ સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

અવકાશ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી અવકાશ અર્થતંત્ર પર વધુ યાન આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે સરકાર ઘણા મોટા પ્રોજેક્ટ માટે જંગી રકમ ફાળવે છે, જેથી અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન મળી શકે. નાણામંત્રીની આ જાહેરાત ખાનગી સ્પેસ કંપનીઓને આગળ વધવામાં મદદ કરશે. તેમજ નવા ખેલાડીઓ પણ મેદાનમાં આવશે. ખાનગી સ્પેસ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને આ ફંડથી ઘણો ફાયદો થશે.

આ તેમને પ્રોત્સાહિત કરશે. એટલું જ નહીં વૈશ્ર્વિક અંતરિક્ષ બજારમાં ભારતની તાકાત વધુ વધશે. જ્યારે ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ સફળતાપૂર્વક તેમના પરીક્ષણો અને પ્રોજેક્ટ્સનું સંચાલન કરશે, ત્યારે ભારત વિશ્ર્વભરમાં પ્રખ્યાત થશે. તેનાથી વિદેશી રોકાણ આવશે. જો આને ફંડિંગ અને એફડીઆઈ સાથે જોડવામાં આવે તો ભારતના સ્પેસ ઈન્ડસ્ટ્રીને ઘણો માઈલેજ મળશે.