આતંરિક બળવા સામે ભાજપે લોક્સભાની ચુંટણી લડનાર ઉમેદવારને પક્ષમાંથી તગેડી મૂક્યો

બંગાળ ભાજપમાં લોક્સભા ચૂંટણીમાં આતંરિક બળવા સામે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે મોટી કાર્યવાહી કરતા લોક્સભા ચૂંટણીના ઉમેદવાર અભિજીત દાસ બોબીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેઓ ડાયમંડ હાર્બર લોક્સભા બેઠક પરથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સામે ચૂંટણી લડ્યા હતા. પાર્ટીએ લોક્સભા ચૂંટણીના પરિણામોના ૧૫ દિવસની અંદર જ આ મોટો નિર્ણય લીધો છે. અભિજીત દાસ પર પક્ષ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. આ અંગે રાજ્ય યુનિટે અભિજીત દાસને કારણ બતાવો નોટિસ પાઠવી હતી.

આ નોટિસ પર તેમણે ૭ દિવસમાં જવાબ આપવાનો હતો, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો. ત્યારબાદ પાર્ટીએ આ કાર્યવાહી કરી છે. અભિજીત દાસનું કારણ બતાવો નોટિસ પર કહેવું હતું કે તેમને આવો કોઈ પત્ર નથી મળ્યો. ભાજપની અનુશાસન સમિતિના સભ્ય પ્રતાપ બેનર્જીએ મંગળવારે આ કાર્યવાહીની જાણકારી અભિજીત દાસ બોબીને આપી હતી અને જણાવ્યું હતું કે, તમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે કરવામાં આવી રહી છે. પત્ર પ્રમાણે અભિજીત દાસે મંગળવારે ચૂંટણી બાદ હિંસા અંગે બોલાવવામાં આવેલી બેઠકમાંપણ હાજરી નહોતી આપી.

બંગાળ ભાજપના અયક્ષ સુકાંત મજૂમદારે અનુશાસન સમિતિની ભલામણ પર અભિજીત દાસને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તમને જણાવી દઈએ કે મંગળવારે જ ભાજપની કેન્દ્રીય ટીમ પણ ડાયમંડ હાર્બર સહિત બંગાળના અનેક વિસ્તારોમાં પહોંચી હતી. આ ટીમ ચૂંટણી બાદ થયેલી હિંસાની ઘટનાઓનો તાગ મેળવવા આવી હતી. આ દરમિયાન જ્યારે ટીમ ડાયમંડ હાર્બર પહોંચી તો અભિજીત દાસના ઘરની બહાર તેમને કાર્યર્ક્તાઓએ ઘેરી લીધા હતા.

આ લોકોએ આરોપ લગાવ્યો હતો કે જિલ્લા અયક્ષ સહકાર નથી આપી રહ્યા. આવી સ્થિતિમાં હિંસા બાદ તેમને અભિજીત દાસના ઘરમાં જ આશરો લેવો પડ્યો હતો. બપોરે આ વિરોધ થયો હતો અને સાંજ સુધીમાં અભિજીત દાસને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેનાથી માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડે આ પ્રકારના વિરોધ પ્રદર્શનને ખોટુ ગણાવ્યું છે. અભિજીત દાસ બોબીને અભિષેક બેનર્જીના મુકાબલે ૭ લાખથી વધુ મતથી હાર મળી હતી.