![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-36.jpg)
દાહોદના હિમાલા ગામમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માત્ર ચાર મહિનાની માસૂમ બાળકી સાથે ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે. બાળકીને શ્વાસની તકલીફ થતાં તેની દાદી તેને ભૂવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ બાળકીની છાતી અને પેટના ભાગે ગરમ સળિયા વડે છ વખત ત્રણ અલગ-અલગ જગ્યાએ ડામ આપ્યા હતા.
આ ઘટના એક અઠવાડિયા પહેલાની છે, જ્યારે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. કોઈકની સલાહથી પરિવારજનો અંધશ્રદ્ધામાં આવી ગયા અને બાળકીને ભૂવા પાસે લઈ ગયા. ભૂવા દ્વારા આપવામાં આવેલા ડામથી બાળકીની હાલત વધુ કથળી ગઈ અને શરદી સહિતની અન્ય તકલીફો પણ શરૂ થઈ ગઈ.
હાલમાં બાળકીને દાહોદની ડૉ. સોનલ હઠીલાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાના ઊંડા મૂળિયા દર્શાવ્યા છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે જિલ્લામાં વધુ જાગૃતિની આવશ્યકતા છે, જેથી આવી ક્રૂર ઘટનાઓ ભવિષ્યમાં ન બને.