
મુંબઈ,
બોલિવૂડ એક્ટર અન્નુ કપૂર બે મહિના પહેલા ઓનલાઇન ફ્રોડનો ભોગ બન્યા હતા. એક વ્યક્તિએ પ્રાઇવેટ બેંકના KYC UPDATE ના નામે માહિતી લઈને ૪.૩૬ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. હવે તે વ્યક્તિની મુંબઈના અંધેરી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.રિપોર્ટ્સ પ્રમાણે, આરોપીનું નામ આશીષ પાસવાન છે. તે બિહારમાં દરભંગાનો રહેવાસી છે અને તેને બેંક અકાઉન્ટ ઓપન કરવામાં લોકોની મદદ કરવા પર કમિશન મળે છે. પોલીસે તરત જ કાર્યવાહી કરીને આશીષ પાસેથી કેટલાક દસ્તાવેજો તથા બે મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.
પોલીસની સ્પેશિયલ ટીમે મોબાઇલ ફોન નંબર તથા ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની માહિતી લઈને આરોપીની ઓળખ કરી હતી. આ અંગે વાત કરતા પોલીસે કહ્યું હતું કે આરોપીએ પ્રાઇવેટ બેંકમાં પોતાનું ખાતું ખોલતા સમયે એક ફોટો બેંકને આપ્યો હતો અને આ જ બેંકમાં અનુ કપૂરનું ખાતું પણ છે.
અનુ કપૂર ઓનલાઇન ઠગાઈનો ભોગ બન્યા એટલે તેમણે તરત જ મુંબઈના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તરત જ કાર્યવાહી કરીને અન્નુ કપૂરના ખાતામાં ૩.૦૮ લાખ રૂપિયા પરત કર્યા હતા. પોલીસે ઇન્ડિયન પીનલ કોડના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ કર્યો હતો.
મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીને ફરિયાદ થઈ ત્યારે કહ્યું હતું કે અન્નુ કપૂરને ગુરુવાર (૨૯ સપ્ટેમ્બર)ના રોજ એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને બેંક કર્મચારી ગણાવ્યો હતો. તેણે કેવાયસી અંગે અન્નુ કપૂરની બેંક ડિટેલ્સ લીધી હતી અને ઓટીપી માગ્યો હતો. ઓટીપી શૅર કર્યા બાદ અન્નુ કપૂરના અકાઉન્ટમાંથી ૪.૩૬ લાખ રૂપિયા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.