અંકલેશ્વર માં ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવતા વિવાદ

ભરૂચ, ભરૂચના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં નવો વિવાદ સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલમાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના ગણિતના પેપરમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમમાં હિજાબ કઢાવાતા વિવાદ સર્જાયો છે. ભરૂચના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં નવો વિવાદ સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલમાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના ગણિતના પેપરમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમમાં હિજાબ કઢાવાતા વિવાદ સર્જાયો છે. આ મામલે વાલીઓએ ગેરવર્તનના આરોપ સાથે શાળાએ પહોંચીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અસરથી પરીક્ષા કેન્દ્રના સંચાલકને હટાવી નવા કેન્દ્ર સંચાલકની નિમણૂક કરી દેતા મામલો શાંત પડ્યો છે.

અંકલેશ્વર ની લાયન્સ શાળામાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષા શરૂ થતા પહેલા ક્લાસરૂમમાં બેઠેલી મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પહેરેલો હિજાબ કઢાવી નાખતા વિવાદ છંછેડાયો હતો. વાલીઓનો આરોપ છે કે વિદ્યાર્થીનીઓએ કોઈ ચોરી કરી હોય તેમ ક્લાસની વચ્ચે જ તેમને આ રીતે હિજાબ કઢાવાતા પેપર પર તેની અસર થઈ છે. વાલીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

આ મામલે ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાવલે કહ્યું કે, આચાર્ય સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓની ઓળખ માટે તેમણે આ કર્યું છે. બોર્ડની ગાઈડલાઈનમાં પહેરવેશ અંગે કોઈ સૂચના નથી. બધા પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે. સીસીટીવી ચેક કરતા મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.