ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા ૩ દિવસમાં નજીવી બાબતે હત્યાના ૪ બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ગાંધીધામમાં જુગારની લડાઈમાં એક યુવકની હત્યા થઈ હતી.એજ દિવસે મધાપરમાં ભાઈ-ભાભીની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ સિવાય ભુજમાં એરફોર્સ સામેથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
જેમાં મોબાઈલના કારણે યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટનાની તપાસ પૂર્ણ નથી થઈ ત્યાં અંજારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.અંજારમાં જાહેર રોડ પર એક મજૂરની હત્યા કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંજારના મુખ્ય બજાર લુહાર ચોકમાં ઘટી હોવાનું સામે આવ્યું છે.
અંજાર પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, હત્યારો અને મૃતક બન્ને દેવીપૂજક સમાજના જ હતા. બે લોકો વચ્ચે પૈસાની લેવડ-દેવડ બાબતે ઝઘડો થયો હતો, જે હત્યામાં પરિણમ્યો છે.સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બન્ને સાથે જ હતા. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા એક યુવક ધારદાર છરી લઈને બીજા યુવક પર તૂટી પડે છે, જ્યાં થોડીવારમાં બીજો યુવક મોતને ભેટે છે. હાલ પોલીસે હત્યારા યુવકની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.