અંજારમાં બાળકોને લઈ જતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, ૫ વિદ્યાર્થીને ગંભીર ઈજા

ભુજ, કચ્છ જિલ્લાના અંજારમાં વહેલી સવારે એક સ્કૂલ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ૧૦ જેટલા બાળકોને ઇજા પહોંચી છે, જેમાંથી ૫ બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કચ્છ જિલ્લાના અંજારમાં વહેલી સવારે સ્કૂલ બસ બાળકોને લઇને જઇ રહી હતી. તે દરમિયાન સતાપર ફાટક પાસેના દબડા નજીક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા હતા. બસમાં સવાર ૧૦ બાળકો પૈકી ડ્રાયવરને પણ ઈજા પહોંચી હતી.

૧૦ બાળકો પૈકી ૫ બાળકોને વધુ ઇજા પહોંચતા તેમને ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના જે બાળકો સ્વસ્થ છે તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.