
હોટલમાં પ્રેમિકા સાથે એકાંત પણો માળી રહેલા યુવકનું તેના મિત્રએ સાગરીતો સાથે મળીને માર માર્યા બાદ અપહરણ કર્યુ હતું. પોલીસની ઓળખ આપીને મિત્રના સાગરીતોએ યુવક અને તેની પ્રેમીકાના વીડિયો ઉતર્યા હતા અને બાદમાં ખંડણી માંગવાની શરૂ કરી હતી. વીડિયો વાઇરલ ન થાય તે ડરથી યુવકે નકલી પોલીસ બનીને આવેલી ગેંગને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા અને તે બાદ આરોપીઓએ બીજા દસ લાખની માંગણી કરી હતી. જેથી સમગ્ર મામલે યુવકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવક પ્રેમિકા સાથે હોટલના રૂમમાં હતો ને આરોપીઓ પહોંચ્યા રાજેશ ( નામ બદલ્યું છે ) મુળ રાજકોટ જિલ્લાના જેતપુરનો રહેવાસી છે અને છેલ્લા દસ દિવસથી પીજીમાં રહે છે. રાજેશ જે ગામમાં રહે છે ત્યાં જયરાજ ડાંગર કરીને એક યુવકને 31 માર્ચના રોજ 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યાર બાદ જ્યારે રાજેશને રૂપિયાની જરૂર હતી ત્યારે તેણે જયરાજ પાસે પરત માંગ્યા હતા. જયરાજ રૂપિયા પરત આપવાની જગ્યાએ જેમફાવે તેમ બોલવા લાગ્યો હતો. તે દરમિયાન રાજેશ નિશા ( નામ બદલ્યું છે ) નામની યુવતીને પ્રેમ કરતો હતો અને થોડા દિવસ સમય પહેલા વસ્ત્રાપુર હિમાલયા મોલ પાસે આવેલી હોટલના રુમમાં હતા ત્યારે જયરાજ અને જુગલ ત્યાં આવ્યા હતા.
આખો દિવસ ગાડીમાં માર મારતા ફેરવ્યો હોટલના રીસેપ્શન કાઉન્ટર ઉપર પહોંચીને રાજેશ ક્યા રુમમાં રોકાયો છે તેની પુછપરછ કરી હતી. હોટલના કર્મચારીએ રાજેશનો રૂમ નંબર આપતા બન્ને ત્યાં પહોંચી ગયા હતા. જયરાજે બેલ વગાડતા રાજેશે દરવાજો ખોલ્યો હતો ત્યારે જુગલે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને રાજેશ કઇ વિચારે તે પહેલા જુગલે તેને માર મારવાનું શરૂ કરી દીધુ હતું. જયરાજે રાજેશ અને નિશાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. જુગલ રાજેશને ઢસડીને હોટલથી લઇ ગયો હતો અને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધો હતો. રાજેશનું અપહરણ કરીને આરોપીઓ તેને હાથીજણ લઇ ગયા હતા. જ્યાં જયરાજે તેને ચાલુ રસ્તા પર ઢોર માર માર્યો હતો. આખો દિવસ જુગલ અને જયરાજે કારમાં રાજેશને મારતા મારતા ફેરવ્યો હતો અને રાતે હિમાલયા મોલ પાસે આવેલા નમો પાન પાર્લર નજીક ઉતારી દીધો હતો.
વીડિયો વાઇરલ કરી દેવાની ધમકીઓ આપી રાજેશ કોઇને કહ્યા વગર ચુપચાપ પોતાના ઘરે જતો રહ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી ડરી ડરીને જીવી રહ્યો હતો. જયરાજ અને જુગલે રાજેશને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતું અને પ્રેમિકા સાથેનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને જયરાજ રૂપિયા પડાવવા લાગ્યો હતો. બન્નેએ ટુકડે-ટુકડે ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આટલેથી નહીં ધરાતા બન્ને જણાએ રાજેશ પાસેથી વધુ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રાજેશે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. રાજેશ રૂપિયા નહીં આપતા જુગલ અને જયરાજે બન્નેના વીડિયો વાઇરલ કરી દેવાની ધમકીઓ આપવાની શરૂ કરી દીધી હતી.
ધમકીથી કંટાળીને રાજેશે ફરિયાદ નોંધાવી બન્નેની ધમકીથી કંટાળીને રાજેશે ફરિયાદ કરવાનું કહ્યું હતું જેથી 23 ડીસેમ્બરના રોજ જુગલ તેના ધંધા પર ગયો હતો. જુગલે રાજેશને ધમકી આપી હતી કે, તું અમારા વિરૂદ્ધ ફરિયાદ કરવાનું કહે છે, જો તે ફરિયાદ કરી તો હું અને જયરાજ તને જાનથી મારી નાખીશું જેથી રાજેશ ગભરાઇ ગયો હતો. ધમકી આપી જુગલ પણ ત્યાંથી જતો રહ્યો હતો. રાજેશે ફરિયાદ નહીં કરતા અંતે જુગલ અને જયરાજે દસ લાખ રૂપિયા પડાવવાની કોશિષ કરી હતી. ત્યારે રાજેશે રૂપિયા નહીં આપી પોતાના મિત્રોને સમગ્ર હકીકત જણાવી હતી અને આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.