- બેંગ્લોરની એક સ્થાનિક કોર્ટે બળાત્કારના કેસમાં નિત્યાનંદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
નવીદિલ્હી,
પોતાને ભગવાનનો દરજ્જો આપનાર અને ભારતમાં આચરવામાં આવેલા અનેક ગુનાઓ માટે ભાગેડુ જાહેર કરાયેલા નિત્યાનંદના દેશ કૈલાસાએ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજરી આપવાનો દાવો કર્યો છે. નિત્યાનંદ પર બળાત્કાર સહિતના ઘણા મોટા આરોપો લાગ્યા છે. તેને ભારતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કૈલાસાના પ્રતિનિધિએ યુએનની બેઠકમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. જિનીવામાં યોજાયેલી આ બેઠકમાં કૈલાસના પ્રતિનિધિએ કહ્યું કે નિત્યાનંદ પર ભારત દ્વારા ‘સતાવણી’ કરવામાં આવી હતી.
પોતાને વિજયપ્રિયા નિત્યાનંદ કહેતી એક મહિલાએ મીટિંગમાં કૈલાસનું પ્રતિનિધિત્વ કર્યું. કમીટી ઓન ઈકોનોમિક, સોશ્યલ એન્ડ કલ્ચરલ રાઈટ્સની બેઠકમાં તેણે પોતાને એમ્બેસેડર તરીકે ઓળખાવ્યા. તેનો વીડિયો સંયુક્ત રાષ્ટ્રની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણીએ કહ્યું કે, ‘કૈલાસ એ હિંદુઓ માટેનો પહેલો સાર્વભૌમ દેશ છે, જેની સ્થાપના હિંદુ ધર્મના સર્વોચ્ચ પૂજારી નિત્યાનંદ પરમસિવમ દ્વારા કરવામાં આવી છે, જે હિંદુ સંસ્કૃતિને પુનર્જીવિત કરે છે અને હિંદુ ધર્મની ૧૦,૦૦૦ સ્વદેશી પરંપરાઓ, જેમાં આદિ શૈવ સ્વદેશી કૃષિ જાતિઓનો સમાવેશ થાય છે.’
જણાવી દઈએ કે કૈલાસના પુરુષ પ્રતિનિધિએ તેનું નામ ઈદ્ગ કુમાર જણાવ્યું હતું. પોતાને ‘નાના ખેડૂત’ ગણાવતા આ વ્યક્તિએ ખેડૂતો સામે બહારના પક્ષો દ્વારા નિયંત્રિત સંસાધનો અંગે પ્રશ્ર્નો પૂછ્યા. તો એવો દાવો કરવામાં આવે છે કે કૈલાસ એક્વાડોરના કિનારે સ્થિત એક દેશ છે, જેનો પોતાનો વજ, પાસપોર્ટ અને રિઝર્વ બેંક પણ છે. ડિસેમ્બર ૨૦૨૦માં નિત્યાનંદે આ જગ્યા માટે લાઈટની જાહેરાત પણ કરી હતી. કૈલાસની વેબસાઈટ પર તેને પૃથ્વી પરનું સૌથી મોટું હિન્દુ રાષ્ટ્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક દેશ ‘સીમા વિનાનો’ અને વિસ્થાપિત હિંદુઓ દ્વારા બનાવવામાં આવ્યો છે જેમણે ‘પોતાના દેશોમાં હિંદુ ધર્મ પાળવાનો અધિકાર ગુમાવ્યો છે’.નિત્યાનંદ ભારતમાં થયેલા અનેક ગુનાઓમાં મુખ્ય આરોપી છે. જેમાં બળાત્કાર, શોષણ અને બાળકોના અપહરણનો સમાવેશ થાય છે. તે ૨૦૧૯માં ભારતમાંથી ભાગી ગયો હતો. જાન્યુઆરી ૨૦૨૦ માં, ઇન્ટરપોલે તેની સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી. આ નોટિસ સભ્ય દેશો તરફથી અપરાધમાં સામેલ વ્યક્તિની ઓળખ, સ્થાન અને પ્રવૃત્તિઓ વિશેની માહિતી એકત્ર કરવા માટે જારી કરવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં બેંગ્લોર નજીકના રામનગરામાં એક સ્થાનિક કોર્ટે ૨૦૧૦ના બળાત્કારના કેસમાં નિત્યાનંદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
નિત્યાનંદ પર બળાત્કારનો આરોપ છે અને કર્ણાટક સેશન્સ કોર્ટે ૨૦૧૦માં તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તેમના ભૂતપૂર્વ ડ્રાઇવર લેનિન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે નિત્યાનંદની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, ૨૦૨૦ માં લેનિને નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો હોવાનું જણાવતી અરજી દાખલ કર્યા પછી જામીન રદ કરવામાં આવ્યા હતા. તેના ગુજરાત આશ્રમમાં પણ ટોર્ચર અને બાળ શોષણના આરોપો લાગ્યા છે.
જણાવી દઈએ કે ઑક્ટોબર ૨૦૨૨ માં બ્રિટિશ સંસદમાં દિવાળી પાર્ટીમાં નિત્યાનંદના સમર્થકોમાંના એક, નિત્યા આત્મદયાનંદને આમંત્રણ આપવા બદલ યુકેના રૂઢિચુસ્ત નેતાઓમાંની એકની ટીકા કરવામાં આવી હતી. નિત્યાને કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય રામી રેન્જરે પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. હાઉસ ઓફ લોર્ડ્સમાં હિંદુ ફોરમ ઓફ બ્રિટન (ૐહ્લમ્) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિતોને નિત્યાનંદની સંસ્થા કૈલાસા યુકેને પ્રમોટ કરતી સંપૂર્ણ પાનાની જાહેરાત ધરાવતું બ્રોશર આપવામાં આવ્યું હતું.