- ક્ષત્રિય સમાજે તલવારો મ્યાન કરી, આંદોલનને વિરામ
રાજકોટ, લોક્સભાની ચૂંટણી દરમિયાન રાજકોટના ભાજપના ઉમેદવાર અને સમગ્ર ગુજરાતમાં ભાજપ સામે આંદોલન ચલાવનાર ક્ષત્રિય સંકલન સમિતિએ ગઈકાલે અચાનક જ તલવારો મ્યાન કરવાની જાહેરાત કરી હતી. રાજપુત સંકલન સમિતિએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે અમે અત્યારે આંદોલનને માત્ર વિરામ આપીએ છીએ. આંદોલન કોઇ વ્યક્તિ સામે નહી અસ્મિતા માટે હતું. અમારી ચેતવણી કે આંદોલન સાથે સંકળાયેલા અમારા આગેવાનોને રંજાડવા નહીં, નહી તો વિરામ લીધેલું આંદોલન ફરી વેગ પકડશે.
રાજપુત સંકલન સમિતિના સભ્ય તૃપ્તિબા રાઓલે કહ્યું હતું કે અમારી લડાઇ મહિલાઓ માટે બોલાયેલા શબ્દો માટેની હતી. મારી સામે ઘણા વ્યક્તિગત નિવેદનો કરવામાં આવ્યા હતા. મે કોઇને વ્યક્તિગત ટાર્ગેટ કરી નિવેદન કર્યા નથી. મારી સામે થયેલા વ્યક્તિગત પ્રહારો હતા, જેના જવાબ આપવા યોગ્ય નથી.
રાજપુત સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ ૧૫ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સંકલન સમિતિના અગામી સામાજિક કાર્ય અંગે પણ ચર્ચા થઇ હતી. રાજપુત સંકલન સમિતિએ આંદોલનમાં ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામનો આભાર માન્યો હતો.
રાજપુત સંકલન સમિતિએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ તરફથી કોઇ શાંતિ ડહોળાઈ નથી, તે બદલ આભાર. આ રાજકીય લડાઇ નહી ચળવળ હતી, જે ૪૫ દિવસ ચાલી હતી. સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનનોને વિનંતી છે કે અંગત રાગ દ્વેષ રાખવો નહી. કોઇ એવા નિવેદન કરવા નહીં, જેથી કોઇ વ્યક્તિગત કે રાગદ્વેષ ઉભો થાય. આ એક અસ્મિતાની લડાઇ હતી. શંકરસિંહ વાઘેલાએ ખોડલધામમાં જે નિવેદન આપ્યું હતું તે અંગે પણ રાજપુત સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે આંદોલન ચાલુ કે બંધ કરવાનો અધિકાર ક્ષત્રિય સમાજ અને કોર કમિટીનો છે. તેમનાથી શરત ચુકથી આ નિવેદન અપાયું હોઇ શકે. કોઇના દોરી સંચારથી આ આંદોલન ચાલતું નહોતું.
સંકલન સમિતિએ આંદોલન ચલાવવું એક માત્ર માયમ હતું. સામાજિક અને શૈક્ષણિક કયા કાર્યો કરવા અને મહારાણા પ્રતાપની જન્મ જયંતી ઉજવવા તે અંગે ચર્ચા થઇ છે. અમે ભાજપનો વિરોધ કર્યો એટલે કોઇ પક્ષનું સમર્થન કરતા નથી. શંકરસિંહ વાઘેલા અમારા સમાજના સન્માનીય આગેવાન છે. અમારી લડાઇ ચુંટણીના વિજય પરાજયની હતી જ નહી, ૨૫ દિવસ અમે ભારતીય જનતા પાર્ટીને હંફાવી છે. જો રૂૂપાલા ન હારે તો પરિણામની ચિંતા વગર લડાઇ લડ્યા છીએ. અમારી કોઇની સાથે દુશ્મની કે દોસ્તી નથી. ક્ષત્રિય સમાજે ૮૦ ટકા ભાજપના વિરોધમાં મતદાન કર્યું છે. પરિણામથી અમારી અસ્મિતાની લડાઇને આંચ આવવાની નથી.
સંકલન સમિતિએ જણાવ્યું કે, રૂૂપાલાનો વ્યક્તિગત વિરોધ હોત તો તેમના આંતરિક જીવન વિશે પણ વાતો થાત. તેઓ ભાજપ રાજકોટના ઉમેદવાર હતા તે વિરોધ હતો. અમને વસ્તીનાં પ્રમાણે મહત્વ મળવુ જોઇએ. રૂૂપાલાએ મતદાન બાદ માંગેલી માફી અંગે પણ સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા કરી હતી. આ ચર્ચાને કોર કમિટી અને અન્ય સંસ્થાઓ વચ્ચે મુકીશું.