આંદોલનકારી ખેડુતો પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો ઉગામવા તૈયારી : સંપત્તિ જપ્ત કરાશે

નવીદિલ્હી,હરિયાણા-પંજાબ સરહદ પર છેલ્લા ૧૨ દિવસથી ચાલી રહેલા ખેડુત આંદોલનમાં હવે કેન્દ્ર સરકાર એકશનમાં આવે તેવી તૈયારી છે. ખાસ કરીને હરિયાણા સરકાર દ્વારા આંદોલનકારી ખેડુતોને તાત્કાલીક હાઇવે ખાલી કરવા તથા જેસીબી સહિતના ભારે વાહનોને હટાવી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને આગામી એક બે દિવસમાં જો હાઇવે ખાલી ન થાય તો આંદોલનકારી ખેડુતો પર સરકાર આકરા પગલા પણ લેશે.

સુત્રોના જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટમાં મામલો પહોંચે તે પહેલા હાઇવે ખાલી કરાવવા માટે સરકારે તમામ તૈયારી કરી લીધી છે. આંદોલનકારી ખેડુતોની મિલ્ક્ત જપ્ત કરવા અને બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવા સુધીના પગલા લેવાશે. આ માટે ડેટાબેઝ પણ કેન્દ્રીય મંત્રાલય ગૃહ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અને રાજયને તેનો અમલ કરવા માટે આદેશ અપાશે.

સુત્રોના જણાવ્યા મુજબ એક તરફ સંયુક્ત ક્સિાન મોરચા કે જેને ૨૦૨૦-૨૧માં ખેડુત આંદોલન કરીને સરકારને ત્રણ કૃષિ કાનુનો પાછા ખેંચવાની ફરજ પાડી હતી. આંદોલનમાં જોડાઇ તો ચૂંટણી સમયે જ વધુ મુશ્કેલ સર્જાય તેમ છે. સરકારે આંદોલનકારીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા ધારા પણ ઉગામવાની તૈયારી કરી છે અને આ અંગેની એફઆઇઆર વગેરે મોડેલ બનાવીને પોલીસ સ્ટેશનોને પહોંચાડી દેવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ અશ્રુવાયુ અને વોટરકેનન સહિતના ઉપાયો હવે કામ આવ્યા નથી. એક ખેડુતનું આંદોલન સમયે મૃત્યુ થતા સંવેદનશીલ સ્થિતિ ઉભી થઇ છે અને સરકાર ઇચ્છતી નથી કે આ સમગ્ર આંદોલન ઇમોશનલ સંદેશ બની જાય તે સરકારને ચૂંટણીમાં મુશ્કેલી પડી શકે છે. બીજી તરફ ખેડુત નેતાઓ પર અંબાલા પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા ધારો અમલી બનાવવા જાહેરાત કરી છે.