જામનગર: જામનગરના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં અરેરાટી જગાવતો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. સગા મોટા-ભાઈ બહેને 15 વર્ષની નાની બહેનને અંધશ્રદ્ધામાં હત્યા નિપજાવતા ચકચાર મચી ગઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના વતની એવા શ્રમિક પરિવારના બે મોટા ભાઈ-બહેનોએ નાની બહેનને અંધશ્રદ્ધામાં છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં સમગ્ર જામનગર પંથકમાં ભારે ચકચાર જાગી છે.
આ સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. જ્યારે તેની હત્યા નીપજાવનાર તેના મોટા ભાઈ-બહેન સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. મોટાભાઈની અટકાયત કરી લીધી છે, જ્યારે આરોપી બહેન સગીર વયની હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.
ચર્ચાસ્પદ આ બનાવની વિગત એવી છે કે, મૂળ દાહોદના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરનારા આરોપી અને તેની બહેને જ પોતાની 15 વર્ષની સગી નાની બહેનને પોતાની ઓરડીમાં માતાજીના પાઠ રાખ્યા હતા અને ઓરડીમાં નિર્વસ્ત્ર કરી સુવડાવી દઈ મોટા ભાઈ-બહેનોએ લાકડી અને છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી. ત્યાર બાદ બંને ભાઈ બહેન ધુણવા લાગ્યા હતા.
આ સમગ્ર બનાવ ગઈકાલે સવારે બન્યો હતો. ત્યાર બાદ 24 કલાક સુધી હત્યા કરાયેલો મૃતદેહ ઓરડીમાં મૂકી રાખ્યો હતો અને બંને ભાઈ-બહેન ઘરમાં ધૂણતા રહ્યા હતા. વાડી માલિકને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે તરત જ ધ્રોલ પોલીસને જાણ કરી હતી. જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.જી. પનારા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હત્યારા બંને ભાઈ-બહેનોને અટકાયતમાં લઈ લીધા પછી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જ્યારે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લાકડી અને છરી સહિતના હથિયાર કબ્જે કરી લેવાયા છે.
ભાઈ અને તેની બહેન બંને સામે ધ્રોલ પોલીસે હત્યાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. વાડી માલિકને ફરિયાદી બનાવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંધશ્રદ્ધાના કારણે મોટા ભાઈ બહેનોએ પોતાની સગી નાની બહેનની વિધિના બહાને હત્યા કરી નાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને નાની બહેનને મારી નાખ્યાં પછી માતાજીને પ્રસન્ન કરવા માટે ધૂણતા હતા.
આ દરમિયાન પોલીસે આરોપી ભાઇની ધરપકડ કરી છે, જ્યારે તેની નાની બહેન સગીરવયની હોવાથી તેને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓના માતા-પિતા દાહોદમાં રહેતા હોવાથી તેમને પણ હજામચરા ગામે બોલાવી લેવાયા છે. આ બનાવને લઈને હજામજોરા ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.