આંધ્રપ્રદેશ અને તેલંગાણા પૂરની ઝપેટમાં આવી ગયા,બંને રાજ્યોમાં પૂરના કારણે ૧૯ લોકોના મોત

  • મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે ફોન પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો

ગુજરાત અને બિહાર બાદ હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણા પૂરની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવી ગયું છે. હૈદરાબાદ સહિત અનેક મોટા શહેરોમાં રસ્તાઓ તળાવ બની ગયા છે. બંને રાજ્યોમાં પૂરના કારણે ૧૯ લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે. ૧૭ હજારથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. પ્રશાસને શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે. ભારતીય રેલ્વેએ બંને રાજ્યોમાંથી પસાર થતી ૧૪૦ ટ્રેનો પણ રદ કરી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ બંને રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી છે.દક્ષિણ મય રેલવેએ ૧૪૦ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. ૯૭ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના જુદા જુદા સ્ટેશનો પર ૬૦૦૦ થી વધુ મુસાફરો અટવાયેલા છે. બચાવ ટીમોએ પૂરથી પ્રભાવિત ૧૭,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. પૂરનો પ્રકોપ સૌથી વધુ વિજયવાડામાં જોવા મળી રહ્યો છે. અહીં પૂરથી ૨.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

હૈદરાબાદમાં ગત રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે પહેલા જ હૈદરાબાદમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં આજે એટલે કે ૨જી સપ્ટેમ્બરે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાને કારણે અનેક જગ્યાએ સંપર્ક તૂટી ગયો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા બોર્ડર પાસેનો પુલ પણ પૂરના પાણીથી તૂટી ગયો છે. બંને રાજ્યોના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આંધ્રપ્રદેશમાં ૩ં સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી ૪ દિવસ સુધી આંધ્રપ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. તેલંગાણામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. હૈદરાબાદમાં પૂરના કારણે માત્ર શાળાઓ જ બંધ નથી રહી પરંતુ આઈટી કંપનીઓમાં કામ કરતા લોકોને પણ ઘરેથી કામ આપવામાં આવ્યું છે.