આંધ્ર-તેલંગાણામાં વરસાદને કારણે અત્યાર સુધીમાં ૩૧ લોકોના મોત, ૪૩૨ ટ્રેનો રદ, લોકો આવશ્યક સેવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં ૩૧ લોકોના મોત થયા છે. આ ઉપરાંત રોડ અને રેલવે ટ્રેક જેવા વાહનવ્યવહારના સાધનોને પણ નુક્સાન થયું છે. હજારો એકર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને બચાવ અને પુનર્વસન કાર્ય માટે એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. તેલુગુભાષી બંને રાજ્યો સોમવારે વરસાદથી પ્રભાવિત થયા હતા.

વરસાદ સંબંધિત ઘટનાઓમાં તેલંગાણામાં ૧૬ અને પડોશી આંધ્ર પ્રદેશમાં ૧૫ લોકોના મોત થયા છે. તેલંગાણામાં સમુદ્રમ પાસે રેલ્વે ટ્રેક નીચે કાંકરીનો એક ભાગ પૂરના પાણીને કારણે ધોવાઈ ગયો હતો. આંધ્ર પ્રદેશમાં લગભગ ૪.૫ લાખ લોકો પ્રભાવિત થયા છે. વિજયવાડામાં લોકોને દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પલાનાડુ, બાપટલા અને પ્રકાશમનો સમાવેશ થાય છે, એમ એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે.એસડીઆરએફની ૨૦ ટીમો અને એનડીઆરએફની ૧૯ ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ અને ઘણા ભાગોમાં ૨૪ કલાકથી વધુ સમય માટે વીજ કાપને કારણે, વિજયવાડામાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.

પૂરના કારણે ઈન્ટરનેટ અને મોબાઈલ ટેલિફોન સેવાઓ ખોરવાઈ ગઈ છે. હૈદરાબાદની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ હતી. વિજયવાડા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે. દરમિયાન સોમવારે સવારે ૮ વાગ્યા સુધી પ્રકાશમ બેરેજમાંથી ૧૧.૩ લાખ ક્યુસેક પૂરનું પાણી છોડવામાં આવ્યું હતું.

આ સિવાય તેલંગાણામાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે શરૂઆતમાં ૫,૦૦૦ કરોડ રૂપિયાના નુક્સાનનો અંદાજ મૂક્યો હતો. રાજ્ય સરકારે રૂ. ૨,૦૦૦ કરોડની તાત્કાલિક કેન્દ્રીય સહાયની માંગ કરી હતી. મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની અપીલ કરી. તેમણે વરસાદ સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારને ૫ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોના પ્રવાસના ભાગરૂપે સૂર્યપેટમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

રાજ્યના આઇટી અને ઉદ્યોગ પ્રધાન ડી. શ્રીધર બાબુએ જણાવ્યું હતું કે નુક્સાનનો અહેવાલ મળ્યા પછી જ સંપૂર્ણ વિગતો જાણી શકાશે. એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું છે કે સરકાર પૂરથી થયેલા નુક્સાન અંગેનો વ્યાપક અહેવાલ કેન્દ્રને સુપરત કરશે. અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું કે પ્રાથમિક અંદાજ મુજબ ૧.૫ લાખ એકરથી વધુ જમીનમાં ઉગાડવામાં આવેલા પાકને નુક્સાન થયું છે. ખમ્મમના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ભારે નુક્સાનના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ઘરવખરીનો સામાન ધોવાઈ ગયો હતો. પૂર પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓએ રાજ્યના મહેસૂલ પ્રધાન પી. શ્રીનિવાસ રેડ્ડી અને કૃષિ પ્રધાન ટી. નાગેશ્ર્વર રાવ સમક્ષ તેમની દુર્દશા વ્યક્ત કરી હતી. આ બંને મંત્રીઓ તેમને મળવા આવ્યા હતા.

દક્ષિણ મય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને ઘણી જગ્યાએ ટ્રેક પર પાણી ભરાવાને કારણે ૪૩૨ ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ૧૩ ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સોમવારે બપોર સુધી ૧૩૯ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. બંને રાજ્યોમાં અવિરત વરસાદને કારણે કાઝીપેટ-વિજયવાડા સેક્શનમાં પૂર અને તિરાડોના અહેવાલ છે અને પાંચ ટ્રેનો ફસાઈ ગઈ છે. હૈદરાબાદ સ્થિત હવામાન કેન્દ્રે જણાવ્યું હતું કે ૩ સપ્ટેમ્બરના રોજ, આદિલાબાદ, કોમરમ ભીમ આસિફાબાદ, નિર્મલ, નિઝામાબાદ, જગતિયાલ, સંગારેડ્ડી, મેડક, કામરેડ્ડી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે.