અંધેરીમાં શેઠાણીને પાઠ ભણાવવા નોકરે વાયરથી કરન્ટ આપ્યો અને મારઝૂડ કરી

મુંબઈ : વેસ્ટર્ન સબર્બની ટોચની એક સ્કૂલની શિક્ષિકા ઘરે કામ કરતા નોકર સાથે સારું વર્તન ન કરતી હોવાથી રોષે ભરાયેલા નોકરે શિક્ષિકા જ્યારે બેડરૂમમાં આરામ કરી રહી હતી ત્યારે પાછળથી આવી તેને ઇલે​​​​​ક્ટ્રિક વાયરથી કરન્ટ આપ્યો હતો. એટલું જ નહીં, શિક્ષિકાએ ત્યાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે શિક્ષિકાની મારઝૂડ પણ કરી હતી. એકાએક થયેલી આ ઘટનાથી ગભરાઈ ગયેલી મહિલાએ પોતાના સ્કૂલના મિત્રનો સંપર્ક કર્યા બાદ આંબોલી પોલીસ-સ્ટેશનમાં નોકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અંધેરી-વેસ્ટના ન્યુ લિન્ક રોડ પરની એક સોસાયટીમાં છેલ્લાં બે વર્ષથી બે બાળકો સાથે રહેતી અને બીકેસીની ટોચની એક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતી ૪૨ વર્ષની બૈતશિવા મૌરિસ શેઠે કરેલી ફરિયાદ અનુસાર તે નોકરી કરતી હોવાથી ઘરમાં રસોઈ બનાવવા માટે પચીસ વર્ષના રાજુ સિંહને રાખ્યો હતો. તે છેલ્લાં બે વર્ષથી ફરિયાદીના ઘરે કામ કરે છે. તે દરરોજ બપોરે ૧૨થી બે અને સાંજે ૬થી ૭ વાગ્યાની વચ્ચે ફરિયાદીના ઘરે આવે છે. તેની પાસે ઘરના મુખ્ય દરવાજાની એક ચાવી પણ છે. ૧૭ સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યે ફરિયાદીનો પુત્ર તેની રૂમમાં આરામ કરી રહ્યો હતો અને ફરિયાદી તેમના બેડરૂમમાં સૂતાં હતાં. એ સમયે કોઈએ તેમને બોલાવ્યા હોવાનો ભાસ થયો હતો. એટલે ઊંઘમાંથી જાગીને પાછળ જોયું તો નોકર રાજુ તેમને ઊંઘમાંથી જગાડી રહ્યો હતો. તેના હાથમાં વાયર હતા જે ઇલેક્ટ્રિક સૉકેટમાં પ્લગ કરવામાં આવ્યા હતા. તેણે તેના બન્ને હાથમાં પીળા રંગનાં મોજાં પહેર્યાં હતાં. ફરિયાદીએ પથારીમાંથી ઊભા થવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેના હાથમાંના વાયર ફરિયાદીને અડાડ્યા હતા અને કહ્યું હતું કે અબ કૈસા લગ રહા હૈ? અચાનક બનેલી આ ઘટનાથી ફરિયાદી ચોંકી ગયાં હતાં. ત્યારે રાજુ વાયર નીચે પાડીને ફરિયાદીની નજીક આવ્યો હતો અને ગળું દબાવીને તેમને જમીન પર પટકાવ્યાં હતાં, જેમાં ફરિયાદીને ડાબી આંખમાં ઈજા થઈ હતી. ફરિયાદીનો પુત્ર અવાજ સાંભળી એકાએક રૂમમાં આવ્યો હતો. જોકે રાજુને આવા રૂપમાં જોઈને તે ત્યાંથી નાસી ગયો હતો. અચાનક રાજુએ ફરિયાદીને મારવાનું બંધ કરી દીધું હતું અને નીચે બેસી ગયો હતો. ત્યાર બાદ તે માફી માગવા લાગ્યો હતો અને કહ્યું હતું કે મૈંને યહ ક્યા કિયા, મુઝે ઐસા નહીં કરના થા, મુઝે માફ કર દો. જોકે એ સિચુએશનમાંથી નીકળવા માટે ફરિયાદીએ માફ કર્યો હોવાનું કહી દીધું હતું એટલે રાજુ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ ફરિયાદીએ સ્કૂલના મિત્ર શરદ ગાંધી અને તેમનાં પત્ની વિનીતા ગાંધીને તાત્કાલિક ઘરે આવવા કહ્યું હતું. તેમણે આવીને ફરિયાદીને માનસિક ટેકો અને હિંમત આપ્યાં હતાં. ત્યાર બાદ બપોરે દોઢ વાગ્યે રાજુએ તેના મોબાઇલથી ફરિયાદીને ફરી ફોન કરીને માફી માગી હતી. એ સમયે તેને પૂછવામાં આવ્યું કે તેણે શા માટે તેની શેઠાણીને મારવાની કોશિશ કરી હતી? ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું હતું કે બે દિવસથી તેઓ તેની સાથે સારો વ્યવહાર કરતાં ન હોવાથી તે ગુસ્સે થયો હતો. અંતે આ ઘટનાની જાણ આંબોલી પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી