અંધશ્રદ્ધાએ વધુ એક માસૂમ બાળકીનો જીવ લીધો ! દાહોદના દેવગઢબારીયામાં સાપ કરડવાથી બાળકીનું મોત

દાહોદ, અંધશ્રદ્ધાએ વધુ એક માસૂમ બાળકીનો જીવ લઇ લીધો છે. દાહોદના દેવગઢબારીયા તાલુકાના ડાંગરિયા ગામની વાત છે, કે જ્યાં સાપ કરડવાથી ૧૦ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીને ઝેરી સાપ કરડ્યા બાદ પરિવારજનો હોસ્પિટલ જવાને બદલે ભૂવા પાસે પહોંચ્યા અને તેને ઝેર ઉતારવા જણાવ્યું.

ભૂવાએ બાળકી પર વિધિ કરી પરંતુ બાળકીની તબિયતમાં કોઇ ફરક ન પડતા પરિવારજનો તેને અન્ય ડોક્ટર પાસે લઇ ગયા હતા. પરંતુ બાળકીની સ્થિતિ વધુ ગંભીર બનતા તેને દાહોદની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. છતા બાળકીનો જીવ ન બચી શક્યો. આમ પરિવારજનોની અંધશ્રદ્ધાને કારણે બાળકી મોતને ભેટી છે. સાપ કરડ્યા બાદ જો બાળકીને ભૂવા પાસે લઇ જવાને બદલે તુરંત હોસ્પિટલ ખસેડી હોત તો ઘણો સમય પણ ન બગડ્યો હોત અને બાળકી પણ જીવિત હોત. મામલાની જાણ થતાં સાપના રેસ્ક્યુની કામગીરી કરનાર સંદીપ જાદવ અને તેની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને લોકોને જાગૃત કર્યા હતા. તેમણે પણ જો કોઇને ઝેરી પ્રાણી કરડે તો સારવાર માટે ભૂવા પાસે જવાને બદલે હોસ્પિટલ લઇ જવાની અપીલ કરી છે.