અંધશ્રદ્ધાના આડમાં ૨ માસના માસુમના શરીરે આપ્યા ડામ, માતાપિતા ભુવા પાસે લઈ ગયા હતા

પોરબંદર,

આધુનિક યુગમાં અંધશ્રદ્ધા જીવંત હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરમાં અંધશ્રદ્ધાની આડમાં બાળકીને ડામ અપાયો છે. બખરલા ગામે ૨ માસની બાળકીને ડામ આપવામાં આવ્યો હતો. તબિયત સારી ન રહેતા બાળકીને તેના માતાપિતા ભુવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ શરીર પર ડામ આપતાં બાળકીને હોસ્પિટલ ખસેડવી પડી છે.

આધુનીક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજુ પણ અંધશ્રદ્ધામાં લોકો વિશ્ર્વાસ રાખતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામે રહેતા એક પરિવારની બે માસની બાળકીની તબિયત સારી ન રહેતી ન હતી. તેથી પરિવાર બાળકીને ભુવા પાસે લઈ ગયો હતો. જ્યાં ભુવાએ બાળકીના નાજુક શરીર પર ડામ આપ્યા હતા. આ બાદ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.

આજે ૨૧ મી સદીના યુગમાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સારવાર લોકોને મળી રહી છે, પરંતુ તેમ છતાં હજુ પણ ગ્રામ્ય પંથકમાં કોઈ કોઈ જગ્યાએ અંધશ્રદ્ધામાં લોકો જીવી રહ્યા છે. પોરબંદરના બખરલા ગામે બે માસની બાળકીને કફ અને ભરાણી થઈ જતા પરિવારે હોસ્પિટલ ખાતે લઇ જવાને બદલે બાળકીને બખરલા વિસ્તારના નેસમાં રહેતા ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ પણ બાળકીને છોડી ન હતી. બાળકીને ભુવા દ્વારા લોખંડના સળિયા વડે શરીરમાં ડામ આપવામાં આવ્યો હતો. ડામ આપ્યા બાદ પણ બાળકીને સારું ન થતા બાળકીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલમાં બાળકીની સારવાર કરનાર ડોક્ટર ડો.જય બદીયાણીએ જણાવ્યું હતું કે, બાળકની તબિયત હાલ તો સુધારા પર છે. પરંતુ કોઈપણ બાળકોને ડામ ન આપવા જોઈએ. કારણકે ડામ આપવાથી તબિયત સારી નથી થતી. પરંતુ ઉલટાની તબિયત લથડી? શકે છે જેથી ખોટી અંધશ્રદ્ધામાં લોકો ન આવે.