મુંબઈ,
’ઈશ્ક મેં મરજાવાં’ તથા ’મેરે સાઈ’ જેવા ટીવી શોમાં કામ કરનારી ટીવી એક્ટ્રેસ અનાયા સોનીને ખ્યાલ નહોતો કે કિડની ફેલ્યોરવાળી પોસ્ટ તેના માટે મુસીબત બની જશે. આ પોસ્ટને કારણે અનાયાને કામ મળતું બંધ થઈ ગયું છે. તે જ્યાં પણ કામ માગવા જાય છે કે પછી ઓડિશન આપવા જાય છે ત્યારે તેની મેડિકલ કન્ડિશનને આધારે તેને રિજેક્ટ કરી દેવામાં આવે છે. હાલમાં જ અનાયાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે ડાયલિસિસના ખર્ચ ને કામની ઉણપ વચ્ચે તે એકદમ ભાંગી પડી છે.
અનાયા સોની થોડાં મહિના પહેલાં ’મેરે સાઈ’ના શૂટિંગ દરમિયાન સેટ પર બેભાન થઈ ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને ખ્યાલ આવ્યો કે તેની કિડની ખરાબ થઈ ગઈ છે અને તેને ડાયલિસિસની જરૂર છે. અનાયા સોની તથા તેના પરિવાર પાસે એટલા પૈસા નહોતા કે ડાયલિસિસનો ખર્ચ ઉઠાવી શકે. અનાયા સોનીને કિડનીની જરૂર છે, પરંતુ હાલમાં તેને કોઈ ડોનર મળ્યો નથી. જેમ તેમ કરીને ક્રાઉડ ફંડિંગની મદદથી અનાયાએ ડાયલિસિસ શરૂ કરાવ્યું છે, પરંતુ હવે તેના માટે એક નવી જ મુસીબત ઊભી થઈ છે.
અનાયા સોનીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાની બંને કિડની ફેલ હોવાની વાત કહી ત્યારે મુશ્કેલી ઊભી થઈ છે. આ સો.મીડિયા પોસ્ટને કારણે અનાયા સોનીને કામ મળતું નથી. આ અંગે અનાયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેણે સો.મીડિયામાં બંને કિડની ખરાબ થઈ હોવાની વાત એટલા માટે કરી હતી કે તે ક્રાઉડ ફંડિંગથી પૈસા જમા કરી શકે અને સારવાર કરાવી શકે. જોકે, આ પોસ્ટ તેના માટે મુસીબત બની ગઈ છે. તે જ્યાં પણ કામ માગવા જાય છે કે પછી ઓડિશન માટે જાય છે તો તેને રિજેક્ટ કરી દેવામાં આવે છે. અનાયાને પ્રોજેક્ટમાં લેતા મેર્ક્સ ડરે છે અનાયાએ વધુમાં કહ્યું હતું કે હવે તો જે દિવસે ડાયલિસિસ કરાવ્યું હોય તે દિવસે પણ શૂટિંગ માટે તૈયાર હોય છે. જોકે, મેર્ક્સને એ વાતનો ડર છે કે સેટ પર કંઈ થઈ ના જાય. આ જ કારણે તેને માત્ર નાના-નાના રોલ જ મળે છે.
અનાયા સોનીને એ વાતનું પણ દુ:ખ છે કે હવે લોકોની તેની તબિયતની મજાક ઉડાવે છે અને મેણા મારે છે કે હવે તો તેની પાસે બહુ બધા પૈસા આવી ગયા છે. તે માત્ર પૈસા જ જમા કરે છે. અનાયાએ કહ્યું હતું કે તેને લોકોની વાતોથી કોઈ ફરક પડતો નથી, પરંતુ કામ ના મળવાને કારણે તે તૂટી ગઈ છે. જોકે, તેને ખુશી એ વાતની છે કે કેટલાક લોકોએ તેની મદદ કરી હતી. સોનુ સૂદ તથા ’મેરે સાઈ’ના કો-સ્ટાર્સે તેને આર્થિક મદદ કરી હતી.
અનાયા સોની હાલમાં ’મેરે સાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને ડાયલિસિસ પણ ચાલે છે. તે ડાયલિસિસને કારણે રેગ્યુલર શૂટિંગ કરી શક્તી નથી. અઠવાડિયામાં ત્રણ દિવસ ડાયલિસિસ હોય છે. જ્યાં સુધી તેને બીજાની કિડની મળતી નથી ત્યાં સુધી તેણે રેગ્યુલર ડાયલિસિસ કરાવવું પડશે. એક ડાયલિસિસનો ખર્ચ ૧૫૦૦ રૂપિયા થાય છે અને દવાઓ અલગથી હોય છે. મેડિકલના વધતા ખર્ચને કારણે અનાયાની આર્થિક સ્થિતિ ખરાબ છે. કમાણી પણ ઘટતી જાય છે.
અનાયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ’ડૉક્ટર્સ કહે છે કે મારી કિડની ફેલ થઈ ગઈ છે અને મારે ડાયલિસિસ કરાવવું પડશે. મારું ક્રિએટિનાઇન ૧૫.૬૭ છે અને હિમોગ્લોબિન ૬.૭ છે. સ્થિતિ ઘણી જ ગંભીર છે. સોમવારના રોજ હું અંધેરી ઇસ્ટ સ્થિત હોલી સ્પિરિટમાં એડમિટ થઈશ. મારા માટે પ્રાર્થના કરજો. જીવન સરળ નથી, પરંતુ હું જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરું છું. મને ખ્યાલ હતો કે આ સમય આવશે, પરંતુ આ પણ પસાર થઈ જશે. ટૂંક સમયમાં મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે. ડાયલિસિસ પછી હું કિડની માટે અપ્લાય કરીશ.’
અનાયાની ૨૦૧૫માં બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને તેના પિતાએ એક કિડની આપી હતી. જોકે, હવે તેની ફરી વાર કિડની ખરાબ થઈ ગઈ અને તે બીજીવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવશે. અનાયાએ કહ્યું હતું કે તે હિંમત બિલકુલ હારી નથી. અનાયા સોનીની માતા કપડાંનો બિઝનેસ કરતી હતી. તે નાટકોમાં ફેન્સી કપડાં સપ્લાય કરતી હતી. જોકે, ઘરમાં આગ લાગતાં કપડાં તથા મશીન બળીને ખાક થઈ ગયાં હતાં. પરિવાર આર્થિક તંગીમાં આવી ગયો હતો અને તેમાંય અનાયાની તબિયત લથડતાં પરિવારની સ્થિતિ વધુ ગંભીર બની હતી.
અનાયાનો જન્મ આંધ્ર પ્રદેશના અમરાવતીમાં થયો છે. તેણે ૨૦૧૫માં ફિલ્મ ’ટેક ઇટ ઇઝી’થી ડેબ્યૂ કર્યું હતું. તે વિવિધ ટીવી તથા પ્રિન્ટ જાહેરાતમાં જોવા મળે છે. આ ઉપરાંત તેણે ટીવી સિરિયલ ’અદાલત’, ’ક્રાઇમ પેટ્રોલ’, ’સાવધન ઇન્ડિયા’, ’અપના દિલ તો આવારા’ તથા ’ઇશ્ક મેં મરજાવાં’ જેવી સિરિયલમાં કામ કર્યું છે.