આણંદથી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, રૂ.૧૬.૭૫ લાખની ચોરીની કબુલાત

આણંદ, આણંદ જિલ્લામાં બંધ મકાનોના તાળા તોડી ચોરીઓને અંજામ આપતી ગેંગ વઘાસી બ્રીજ પાસેથી ઝડપાઈ છે. લાંભવેલ ગામે થયેલી ૧૬.૭૫ લાખની રોકડ રકમની ચોરી સહિત કુલ ૧૩ ઘરફોડના ભેદ ઉકેલાયા છે.વડોદરાના કુખ્યાત ઘરફોડીયા પ્રકાશ રાજપુત સહિત ચાર શખ્સો ઝડપાયા, બે મહિલા સહિત ત્રણ ફરાર છે.

છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બંધ મકાનોના તાળા તેમજ નકુચા તોડીને ચોરીઓ કરી હાહાકાર મચાવતી ગેંગને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વઘાસી ગામના ઓવરબ્રીજ પાસેથી ઝડપી પાડીને ૧૩ જેટલી ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલી નાંખ્યા છે, પોલીસે આરોપીઓ પાસે થી રોકડા ૫.૯૩ લાખ સહિત કુલ ૯.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે, આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલી ચોરીઓ પાછળ વડોદરાના વારસીયા વિસ્તારમાં રહેતા કુખ્યાત ધરફોડીયા પ્રકાશ વિજયભાઈ રાજપુત તેમજ જુના મોગરી રોડ ઉપર આવેલી શીવનગર સોસાયટીમાં રહેતા પ્રકાશ સુરેશભાઈ ગોહેલનો હાથ છે અને તેઓ રાત્રીના સુમારે ચોરીઓ કરવા માટે જવા વઘાસી ઓવરબ્રીજ પાસે એકત્ર થવાના છે.

જેના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એક રીક્ષા તેમજ એક્સેસ મોપેડ સાથે ચારેક જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા. જેથી પોલીસે કોર્ડન કરીને તેમને ઝડપી પાડ્યા હતા અને રીક્ષાની તપાસ કરતા મોટુ ડીસમીસ, ચોરી કરવાનું પાનુ, અંગજડતીમાંથી રોકડા ૫.૯૩ લાખ, ચાર મોબાઈલ ફોન સહિત કુલ ૯,૧૩,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.જે અંગે પુછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.જેથી તેમના નામઠામ પુછતાં પ્રકાશ વિજયભાઈ રાજપુત (રે. વડોદરા), પ્રકાશ સુરેસભાઈ ઉર્ફે કિરિટભાઈ ગોહેલ (રે. જુના મોગરી રોડ, આણંદ), સચિન શિવાસીંગ ટાંક (સરદાર)રે. વડોદરા) તેમજ રવિન્દ્ર ઉર્ફે માનવ જયંતિભાઈ સરગરા (મારવાડી)રે. ફતેપુરા, વડોદરા)ના હોવાનું જણાવ્યું હતુ.

ચારેયને મુદ્દામાલ સાથે એલસીબી ઓફિસે લાવીને આકરી પુછપરછ કરતા અત્યાર સુધીમાં તેઓએ જિલ્લામાં ૧૩ જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. જેમાં તાજેતરમાં જ લાંભવેલ ગામે પરોઢિયે મકાનના નકુચા તોડીને અંદરથી રોકડા ૧૬.૭૫ લાખની ચોરીનો પણ સમાવેશ થાય છે. આ ગેંગમાં સંડોવાયેલા ભાવિકાબેન રવિન્દ્ર સરગરા (રે. વડોદરા), જતિન શર્મા (રે. વારસીયા, વડોદરા) અને સેજલ બૈત (રે. નાલા સોપારા, મુંબઈ)ના નામો ખુલવા પામ્યા છે જેમને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે.