આણંદ : રાજ્યમાં અવારનવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં ફરી એક વાર રાજ્યમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા અસામાજિક તત્વોઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમરેઠના ઓડ બજારમાં આવેલા તળાવ પાસેના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ પથ્થરો નાખવામાં આવ્યા હતા.
ગઈ કાલે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર નાખી મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે. આજે વહેલી સવારે ભક્તો અને પૂજારી મંદિર પહોંચ્યા ત્યારે પથ્થરો દેખાયા હતા. તો મહાદેવની ધજાની શોધખોળ કરતા ગટરના ખાડામાંથી મળી આવી છે. આ સમગ્ર ઘટના અંગે પૂજારીએ ઉમરેઠ પોલીસને જાણ કરી છે.
એ યાદ રહે કે આ અગાઉ વડોદરા જિલ્લામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી અથડામણની ઘટના બની હતી.મંજૂસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.મંજૂસર ગામમાં ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગ્રામજનોએ પંચાયત પાસેના ચોકમાં બેસી રામધુન બોલાવી પથ્થરમારો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
બીજી તરફ ખેડાના ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં બે જૂથના લોકો સામ સામે આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. ખેડા જિલ્લાના ઠાસરાના ડાકોર સેવાલિયા સહિતની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.