
આણંદનાં ચિખોદરા ગામમાં ચાલી રહેલી ક્રિકેટ મેચની ફાઈનલ મેચ જોવા ગયેલા આણંદનાં યુવાનો સાથે ઝઘડો કરી એક યુવકને છરીનાં ઘા ઝીંકી તેમજ માથામાં બેટ અને વાંસનો દંડો મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરવાની ધટનાને લઈને પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવાનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની હોસ્પીટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે પાંચ આરોપીઓ અને ત્રણ ચાર અન્ય મળતીયા વિરૂધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચિખોદરા ગામનાં બુલેટ ટ્રેન બ્રીજ પાસે ક્રિકેટનાં મેદાનમાં ચાલી રહેલી ક્રિકેટ મેચની ફાઈનલ મેચ ગત રાત્રીનાં આણંદ શહેરમાં પોલસન ડેરી કંપાઉન્ડમાં રહેતા ૨૨ વષય સલમાનભાઈ હનિફભાઈ વ્હોરા તેનાં મિત્રો ઈમરોસ અબ્દુલરહીમ વ્હોરા, સોએબ વ્હોરા અને અર્શ વ્હોરા મેચ જોવા ગયા હતા, ત્યારે રાત્રીનાં મેચ જોવા ઉભેલા દર્શકોની વચ્ચેથી ધેટો અને હોલો નામનાં યુવકો બાઈક લઈને પસાર થતા ત્યારે ધેટો અને હોલોએ મેચ જોવા ઉભેલા સોએબ વ્હોરા અને અર્શ વ્હોરા સાથે ગાળા ગાળી કરી ઝધડો કર્યો હતો.
દરમિયાન ધેટો અને હોલોનાં સાગરીતો શક્તિ વિશાલ અને ફુલીયો અને અન્ય ત્રણ ચાર જણાએ છરી અને વાંસનો દંડો તેમજ બેટ લઈને હુમલો કર્યો હતો. આરોપીઓના હુમલા બાદ યુવાન ઢળી પડયો હતો અને હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.
મુસ્લિમ યુવકની હત્યાની ધટનાને લઈને અમદાવાદ રેન્જનાં આઈજીપી અને પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ ઘટના સ્થળે જઈ ધટનાની માહિતી મેળવી હતી અને હત્યારાઓને ઝડપથી ઝડપી પાડવા માટે પોલીસને સુચના આપી હતી. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ઈમરોસ અબ્દુલરહીમ વ્હોરાની ફરીયાદનાં આધારે ચિખોદરા ગામનાં ધેટો, હોલો, શક્તિ, વિશાલ, ફુલીયો સહીત પાંચ આરોપીઓ અને ત્રણથી ચાર તેમના મળતીયાઓ વિરૂદ્ધ રાયોટીંગ અને હત્યા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક સલમાનનાં લગ્ન ગત ૨૭ એપ્રીલનાં રોજ ઈસ્માઈલનગર વિસ્તારની યુવતી સાથે થયા હતા અને જેને હજુ બે માસ પણ પૂર્ણ થયા નથી, ત્યાં સલમાનની હત્યાની ધટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.