આણંદ, આણંદના બોરસદ ખાતેના સરણાઈકુઈ ગામ પાસે થયેલા અકસ્માતમાં બેના મોત થયા છે. કારચાલકે સર્જેલા અકસ્માતમાં એક કુટુંબ નંદવાઈ ગયું છે. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કારચાલકની હડફેટે એક્ટિવા પર સવાર દંપતી હવામાં ફંગોળાયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલક પતિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે દંપતીના પાંચ વર્ષીય બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. અકસ્માત સર્જનારી કાર અકસ્માત કર્યા પછી સંતુલન ગુમાવવાના લીધે નજીકના ખેતરોમાં ઉતરી ગઈ હતી. બોરસદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી છે. આમ કારચાલકની જરા ગાફેલિયતના લીધે એક કુટુંબનો માળો વેરવિખેર થઈ ગયો હતો. તેણે જો સરખું ધ્યાન આપ્યું હોત તો આજે એક હસતુરમતુ કુટુંબ જીવતું હોત.
આ વાત આજની નથી, રાજ્યમાં દરેક સ્થળે આ બૂમ છે. કારચાલકો તેમની સ્પીડની લ્હાયમાં કોઈને કોઈને ઉડાવી જ દે છે. તેમા ઘણી વખત રસ્તા પર ચાલતા જતા માણસો પણ ભોગ બને છે. ‘તથ્ય’નો કિસ્સો સૌથી જાણીતો છે. રાજ્યમાં આ એક જ ‘તથ્ય’ નથી. આવા કેટલાય ‘તથ્ય’ છે. તેથી માબાપ પણ પોતાના સંતાનોને વાહન આપતા પહેલા વિચારે. કોઈની અપરિપક્વતા કોઈના માટે જીવલેણ ન બનવી જોઈએ.