આણંદ, આણંદ જિલ્લામાં બોરસદ પાસે ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર મોત નિપજયા છે. બોરસદના ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોરસદના ઝારોલા પાસે રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી કાર ટ્રકની નીચે ઘૂસી જતા ભયંકર અકસ્માત બનવા પામ્યો. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા.આ કારનો નંબર જીજે૨૩ સીડી ૬૧૮૩ છે. ભાદરણ પોલીસ ઘટના સ્થળ પર પંહોચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અકસ્માતની તસવીરો સામે આવતા લોકો પણ હચમચી ગયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને બલેનો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકમાં ફસાયેલ કારને બહાર કાઢવા ટ્રક ઉંચી કરવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી. ભારે જહેમત બાદ કાર અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. બોરસદ પાસે બસ અને કાર વચ્ચે મોડીરાત્રે ગોઝારો અકસ્માત બનતા લોકોનું ટોળું ભેગું થયું હતું. અને દુર્ઘટનાની સ્થાનિકો દ્વારા તાત્કાલિક તંત્રને જાણ કરતા એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળ પર આવી પંહોચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક અને કાર વચ્ચે થયેલ ભયાનાક અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાનું જાણવા મળ્યું છે. જંત્રાલના યુવાનો બલેનો કાર લઈ મોડી રાત્રે પોતાના કામસર બહાર નીકળ્યા હતા. જ્યાં બોરસદના ઝારોલા બસ સ્ટેન્ડ પાસે રેતી ભરેલ ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ભયંકર અકસ્માતમાં કારમાં બેસેલ ત્રણ યુવાનોના મૃત્યુ થતા તેમના પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.