
આણંદ, આણંદ પાસેના વલ્લભવિદ્યાનગરમાં ૧૯ વર્ષીય યુવકનું હાર્ટ એટેકમાં મોત નિપજ્યું છે. સમરસ હોસ્ટેલમાં રહેતા યુવકને સારવાર મળે તે પહેલાં જ મોત થતા સમગ્ર હોસ્ટેલમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાલાસિનોરના વડદલા ગામનો યુવક પિયુષ ચૌહાણ વલ્લભવિદ્યાનગરની કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતો હતો. ગત રોજ તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરંતું સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યુ હતું. ૧૯ વર્ષીય પિયુષ ચૌહાણના મોતથી સમગ્ર હોસ્ટલમાં ડરનો માહોલ ફેલાયો છે. તો સાથે જ યુવકના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. ચૌહાણ પરિવારના વ્હાલસોયા દીકરાનો હાર્ટ એટેકે જીવ લીધો.
શિયાળો શરૂ થાય એટલે શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે જેના કારણે હૃદય અને શ્ર્વાસ સંબંધિત સમસ્યા વધી શકે છે. આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. શિયાળામાં ધમનીઓ સાંકળી થઈ જવી, પ્લેટલેટની સમસ્યા, લોહી જામી જવું જેવી સમસ્યાના કારણે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન તમે કેટલાક સરળ કામ કરીને પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકો છો.