આણંદમાં ટ્રિપલ અકસ્માત બાદ કારમાં લાગી આગ, ૧નું મોત

આણંદ,

આણંદમાં નવા વર્ષની રાત્રે જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં આણંદના ઉમરેઠના કણભઈપુરા માર્ગ પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. પીકઅપ ટેમ્પોએ કારને ટકકર મારી હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. અકસ્માતમાં ૧નું મોત ૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.

ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ ટ્રિપલ પર અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ટેમ્યાએ ઇકોને ટક્કર મારી હતી, સાથે જ અલ્ટો કાર ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી. કાર ધડાકાભેર અથડાતા આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર છથી સાત સવાર ઉજળી રોડ પર પટકાયા હતા. જેમાંથી ૧ વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ૪ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

અકસ્માતને ભેટનાર કારમાં સવાર લોકો આણંદના મલાતજના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે ફાયર બ્રિગેડે કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ખંભોળજ પોલીસે અકસ્માતને લઇને વધુ તપાસ હાથ ધરી છે.