મહારાષ્ટ્રના જાલનામાં અનામત મુદ્દે મનોજ જરાંગે પાટીલે ફરી હુંકાર ભરી છે. પાટીલે રેલીને સંબોધતા કહ્યું કે હું અનામત મુદ્દે પીછેહઠ નહીં કરવાની સોગંદ લઉ છું. મહારાષ્ટ્ર સરકાર પાસે તેના વચનો પૂરા કરવા માટે માત્ર 10 દિવસનો સમય છે અને જો તે નિષ્ફળ જશે તો કોઈપણ પરિણામ માટે તે જવાબદાર રહેશે. જરાંગે-પાટીલે અંતરવાળી-સારતી ગામમાં મરાઠાઓની વિશાળ ભીડ સામે કહ્યું કે અમે વધુ રાહ જોઈશું નહીં. સરકારે અમને ક્વોટા આપવો પડશે. મેં મારુ વચન આપ્યુ છે અને તેના માટે હું મારો જીવ પણ આપી દઈશ. તે કાં તો મારી અંતિમયાત્રા હશે અથવા મરાઠા વિજય માર્ચ. જરાંગે-પાટીલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના મંત્રી છગન ભુજબળ અને કાર્યકર્તા વકીલ ગુણરતન સદાવર્તેની પણ મરાઠા આરક્ષણ પર વિરોધી વલણ લેવા બદલ ટીકા કરી. ભુજબળે શનિવારની મેગા-રેલી માટે ભંડોળના સ્ત્રોતો પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે સદાવર્તે તેમની ધરપકડની માંગ કરી છે. જરાંગે-પાટીલે કહ્યું કે તેઓએ તેમની અવગણના કરવાનો નિર્ણય લીધો છે.
ખુલ્લા મંચ પર હાથમાં માઈક્રોફોન લઈને અને તેમની સામે હાજર વિશાળ ભીડનો 360 ડિગ્રીનો નજારો બતાવતા મરાઠા નેતાએ કહ્યું કે તેમની 17 દિવસની ભૂખ હડતાળ બાદ તેમણે રાજ્ય સરકારને 40 દિવસનો સમય આપ્યો છે. માંગણીઓનો અમલ કરો, પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ કંઈ કામગીરી થઈ નથી. જારાંગે પાટીલે કહ્યું કે એક મહિનો વીતી ગયો હવે 10 દિવસ બચ્યા છે. અમે 50 ટકાની મર્યાદામાં મરાઠા આરક્ષણ ઈચ્છીએ છીએ. અમારી માંગ છે કે મરાઠાઓને ‘OBC’ જાહેર કરવામાં આવે અને તે મુજબ ક્વોટા આપવામાં આવે. જો સરકાર અમારા માટે મર્યાદા વધારીને 50 ટકા કરે તો તે સ્વીકાર્ય રહેશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય નેતાઓને ‘મરાઠા મુદ્દાને ગંભીરતાથી લેવા’ અને શિક્ષણ અને નોકરીઓમાં અનામતને સક્ષમ કરવા માટે OBC વર્ગમાં સમુદાયનો સમાવેશ કરવા આહ્વાન કર્યુ. તે 22 ઓક્ટોબરે તેની આગામી રણનીતિ જાહેર કરશે.
મનોજ જરાંગે પાટીલે કહ્યું કે હું હાથ જોડીને મોદી, શાહ અને શિંદેને વિનંતી કરું છું કે અમને અમારો અધિકાર આપો. અમને બિનજરૂરી પરેશાન કરશો નહીં. અમે આટલા વર્ષો રાહ જોઈ છે. હવે વધુ રાહ જોઈ શકતા નથી. આપણે આવનારી પેઢીના હિતોનું રક્ષણ કરવાનું છે. અમે અત્યારે શાંત છીએ, પરંતુ કાલે શું થશે તે કહી શકતા નથી. આ અંતિમ અલ્ટીમેટમ છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ક્વોટા માટે શા માટે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી અને મુખ્યમંત્રીને અનામતના મુદ્દે ગયા મહિને નિમવામાં આવેલી સમિતિનું કામ અટકાવવા, મરાઠાઓને ઓબીસી જાહેર કરવા અને કુણબી જાતિના પ્રમાણપત્રો જારી કરવા આહ્વાન કરે જેથી તેઓ ક્વોટા મેળવી શકે.