આણંદ,
આણંદ ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન અને વાઈસ ચેરમેનપદની ચૂંટણી માટે આજે ૨૪મી જાન્યુઆરી ૨૦૨૩ બુધવારે બપોરના ૧૨ વાગ્યે આણંદ સ્થિત હેડક્વાર્ટર ખાતે કાર્યવાહી શરૂ થઈ હતી.જેમાં જીસીએમએમએફ સાથે સંકળાયેલાં ૧૮ દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેન એવાં ડિરેક્ટર દ્વારા મતદાન અધિકાર ધરાવે છે.જેઓ સૌ નિયત સમય પહેલા મતદાન સ્થાને પહોંચ્યા હતા.જોકે રાજકોટ ડેરીના ચેરમેન કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા.જેથી નિયામક મંડળના ૧૭ સભ્યોની હાજરીમાં આણંદ જીસીએમએમએફ હેડક્વાર્ટર ખાતે ચૂંટણી અધિકારી ડો.ધવલકુમાર બારોટે નિયત સમયે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી ફોર્મ ભરવાની અને ચકાસવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
મહત્વનું છે કે હાલ દૂધ ઉત્પાદક સંઘોમાં ભાજપ આગેવાનોની બહુમતી સત્તા ચાલી રહી છે.વળી ભાજપ સંગઠને સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટનો નિયમ લાગુ કર્યો હોઈ ગાંધીનગરથી જે નામ નક્કી થશે તે દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અમૂલ ફેડરેશન ચેરમેન માટે ઉમેદવારી કરશે અને તેને જ અમૂલ ફેડરેશન ચેરમેનનો બિનહરીફ સરતાજ મળશે તે નક્કી હતું.ગત ટર્મમાં શામળભાઈ પટેલ ચેરમેન અને વાલમજીભાઈ હુંબલ વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી.જેઓની આજે પણ બીજી ટર્મ માટે પુન:વરણીની કરાઈ છે.
આ અંગે ચૂંટણી અધિકારી વિમલકુમાર બારોટે જણાવ્યું હતું કે નિયત સમયે શરૂ થયેલ ચૂંટણી પ્રક્રિયામાં ચેરમેન તરીકે શામળ ભાઈ પટેલ અને વાઈસચેરમેન તરીકે વાલમજીભાઈ હૂંબલના ઉમેદવારી ફોર્મ સામે કોઈ જ હરીફ ફોર્મ ન મળતા બન્ને ઉમેદવારોની બિનહરીફ વરણી જાહેર કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શામળભાઈ પટેલ અને વલમજીભાઈ પટેલનો જીસીએમએમએફનો વહીવટી કાર્યકાળ બિન વિવાદાસ્પદ રહ્યો હતો.અમૂલ બ્રાન્ડના વૈશ્ર્વિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવતા પૂર્વ મેનેજીંગ ડિરેકટર આર.એસ.સોઢીને તાત્કાલિક પદ ઉપર દૂર કરવાનો મજબૂત નિર્ણય લેવામાં તેઓની વહીવટી સાહસિક્તા દાખવી હતી.જેથી ભાજપ કેન્દ્રીય નેતાગીરીની ગુડબુકમાં નામ ધરાવતા આ સહકારી આગેવાનોની પુન:નિયુક્તિ કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.