
લોકસભા ચૂંટણી પૂર્વે સહકારી અગ્રણીઓએ કોંગ્રેસ (Congress) સાથે જોડાવવાની શરૂઆત કરી છે. અમુલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભાજપ (BJP) છોડી કોંગ્રેસમાં જોડાયા છે. સહકારી ક્ષેત્રમાં ભાજપની દરમિયાનગિરી અને રાજનીતિથી કંટાળી જુવાનસિંહે કોંગ્રેસમાં ઘરવાપસી કરી હોવાનું જણાવ્યું છે.
શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સતત ભરતી મેળો ચાલી રહ્યો છે. અગાઉ આપના હોદ્દેદારોને કોંગ્રેસમાં જોડ્યા બાદ હવે સહકારી અગ્રણીઓ પણ કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. અમુલ ડેરીના ચેરમેન જુવાનસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. છેલ્લી બે ટર્મથી જુવાનસિંહ અમૂલના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવે છે.
વિધાનસભા ચૂંટણી 2022માં ટીકીટ ના મળતા નારાજ થઈ તેમણે કોંગ્રેસ છોડી હતી. જો કે, ભાજપમાં ગયા બાદ હવે તેમણે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ જુવાનસિંહે જણાવ્યું કે અમુલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ થઈ રહ્યો છે અને પરિણામે સભાસદના હિતોને પણ નુકસાન થઈ રહ્યું છે. મેં રાજકીય હસ્તક્ષેપ ના થાય એ અંગે વારંવારની રજૂઆતો કર્યા બાદ પણ પરિણામ ના આવતા સભાસદોના હિત માટે ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસમાં ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે સહકારી અગ્રણીઓના જોડાણ અંગે શક્તિસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના શાસનમાં રાજ્ય અને દેશને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે એવી સહકારી સંસ્થા અમુલ સ્થાપવામાં આવી હતી. અમુલ સહકારી માળખાનું ઉત્તમ મોડલ છે. ભાજપની સરમુખત્યારશાહી, અહંકારી વલણ અને સહકારી ક્ષેત્ર વિરોધી વહીવટને કારણે સભાસદો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વધુમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકીય દખલગીરીને કારણે સહકારી ક્ષેત્રનું માળખું દિવસેને દિવસે તૂટી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ રાજ્યના તમામ મુદ્દાને લઈ પ્રજાહિતની વાત લઈ નીકળી છે ત્યારે તમામ વર્ગના લોકો કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે.