ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વોકઆઉટ કર્યા બાદ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ વધુ એકવાર બળાપો કાઢ્યો છે. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, જેઓએ પાર્ટી અને સંગઠન માટે ક્યારેય કામ જ નથી કર્યું, એવા લોકો મારા વિરુદ્ધ સી.આર પાટીલ સાહેબને ભડકાવે છે. નાંદોદના MLA ડૉ.દર્શના દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સી.આર પાટીલને મારા વિશે ખોટી માહિતી આપે છે. ઝઘડિયાના MLA રીતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ પણ અધ્યક્ષને ખોટી માહિતી આપતા હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે.
તેઓએ જણાવ્યું કે, આ ટોળકી અને તેમના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મારી પોઝિટિવ વાતને નેગેટિવ રીતે પ્રદેશ અને સરકાર સમક્ષ રજૂઆત કરે છે. મને ટિકિટ મળે કે ન મળે તેની સાથે મારે કોઈ નિસબત નથી. મેં લોકો માટે કામ કર્યું છે અને કરીશ પણ ખોટું નહીં ચલાવી લઉં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. આ તકે કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. કમલમ ખાતે એક પછી એક જિલ્લાની બેઠકો ચાલી રહી હતી. આ દરમિયાન વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ ભાજપના ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વોક આઉટ કર્યું હતું.