અમૃતપાલ સિંહની પત્નીની એરપોર્ટ પર અટકાયત, લંડન જવાની તૈયારી કરતી હતી

અમૃતસર,ખાલિસ્તાન સમર્થક નેતા અને ’વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરે ગુરુવારે બ્રિટેન જતા રોકી દેવામાં આવી છે. આ અગાઉ તેને અમૃતસર એરપોર્ટ પર ધરપકડ કરવાના સમાચાર હતા. જો કે, પંજાબ પોલીસ સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યું કે, તે પહેલાથી જ પોલીસ અધિકારીઓના સંપર્કમાં છે અને તેને ધરપકડમાં લેવામાં આવી નથી. સૂત્રએ કહ્યું કે, અધિકારીઓએ કિરણદીપના પતિનૂ પૃષ્ઠભૂમિને જોતા તેને ફક્ત પુછપરછ માટે રોકી છે.

કિરણદીપ કૌરે આ અગાઉ પોલીસની પુછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, અમૃતપાલ સાથે તેનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. આપને જણાવી દઈએ કે, અમૃતપાલની પત્ની યૂકેની નાગરિક છે અને તે લંડન જવાની હતી. તેના વિરુદ્ધ કેટલાય ગુનાહિત કેસો નોંધાયેલા છે.

અમૃતપાલની પત્નીને અમૃતસર એરપોર્ટ કોણ સંબંધી મુકવા માટે આવ્યા હતા, આ વાતની જાણકારી હાલમાં લેવામાં આવી રહી છે. પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ હાલમાં કોઈ પણ ખુલાસો કરવાની ના પાડી દીધી છે. એરપોર્ટ પર કોઈ પણ સંબંધી દેખાયા નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણદીપે ઈમિગ્રેશન અધિકારીઓને કહ્યું કે તે તેના માતા-પિતાને મળવા જઈ રહી છે. ભારતમાં તેની સામે કોઈ કેસ નોંધાયેલ નથી. જો કે તે કોઈક રીતે અંડરટેકિંગ લઈને જવા દેવામાં આવશે કે નહીં તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. કિરણદીપ એનઆરઆઈ છે. તેના પર બ્રિટનમાં બબ્બર ખાલસા સાથે જોડાણ અને ભંડોળ હોવાનો પણ આરોપ છે. કિરણદીપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. કિરણદીપે કહ્યું હતું કે હું ભારતમાં કાયદેસર રીતે ૧૮૦ દિવસ રહી શકું છું.

અમૃતપાલ દુબઈથી પંજાબ પાછો ફર્યો અને તેણે કિરણદીપ કૌર સાથે આ વર્ષે ૧૦ ફેબ્રુઆરીએ તેના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં લગ્ન કર્યા. આ વિધિ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી. કિરણદીપ કૌર યુકેની નાગરિક છે. તે મૂળ જલંધરના કુલરણ ગામની છે. થોડા સમય પહેલાં તેનો પરિવાર ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો.

અમૃતપાલ ફરાર થયા બાદ કિરણદીપ કૌરે એક મેગેઝિનના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું – અમૃતપાલ માત્ર ધર્મનો ઉપદેશ આપતો હતો. તેણે કંઈ ખોટું કર્યું નથી, તે નિર્દોષ છે. અમૃતપાલ હંમેશાં યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા માટે પ્રેરિત કરે છે. આજે તેને ખોટા આરોપમાં ફસાવવામાં આવી રહ્યો છે.