
અમરેલી, અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં જોવા મળી. સિવિલ હોસ્પિટલની ફરી વધુ એક બેદરકારી સામે આવી. ગઈકાલે ૧૫ જેટલા દર્દીઓને બાટલા ચડાવ્યા બાદ ઇન્જેકશન આપવામાં આવ્યા હતા. જેના બાદ આ દર્દીઓની તબિયત વધુ લથડી હતી. કહેવાય છે કે મોડી રાતે દર્દીઓને ઇન્જેકશનનું રીએકશન આવતા તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી. દર્દીઓની તબિયત લથડતા તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારના હોબાળા બાદ સત્તાધીશોએ આ મામલે તપાસની હૈયાધારણા આપી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે કેટલાક દર્દીઓને બાટલા ચડાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે અચાનક ૯ જેટલા દર્દીઓની તબિયત લથડવા લાગી હતી. અચાનક દર્દીઓની તબિયત બગડતા તેમની સાથે રહેતા સગાસબંધીઓ પરેશાન થઈ ગયા હતા. તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. કારણ કે ગત રાત્રે દર્દીઓની તબિયતમાં સુધારો થાય માટે તેમને બાટલા ચડાવાયા હતા. અને તેના બાદ તેમને ઇન્જેકશન આપવામાં આવ્યા હતા. પરંતુ દર્દીઓની તબિયતમાં સુધારો થવાના બદલે અચાનક સ્વાસ્થ્ય વધુ કથળતું હોવાનું જણાવ્યું.
સિવિલ હોસ્પિટમાં પીડિત એક દર્દીએ જણાવ્યું કે મને ટાઈફોડ હતો અને આથી ૧૫ દિવસથી બાટલા ચડાવવામાં આવે છે. કાલે જ્યારે બાટલો ચડાવ્યો ત્યારે હાથ અને પગ ઠંડા પડી ગયા હતા. શરીરમાં કંપન થતું હોય તેવું લાગ્યું. મારી જેમ અન્ય દર્દીઓને પણ આવી જ હાલત થઈ હતી. અન્ય એક દર્દીના પતિએ જણાવ્યું કે મારી પત્ની બીમારીને પગલે ૫ દિવસ પહેલા દાખલ કરાઈ હતી. બીમારીમાંથી પત્ની સાજી થઈ રહી હતી પરંતુ અચાનક ગત રાત્રે બાટલા ચડાવ્યા બાદ અને ઇન્જેકશન લીધા બાદ તેની તબિયત વધુ બગડી. તેને ગઈકાલે ૩ ઇન્જેકશન આપવામાં આવ્યા હતા. મારી પત્નીની જેમ ગઈકાલે અચાનક વધુ દર્દીઓની તબિયત બગડતા દર્દીઓના સગાસંબંધી હોસ્પિટલમાં ઉહાપોહ મચાવ્યો હતો. અચાનક એક્સાથે દર્દીઓની તબિયત બગડવા છતાં સત્તાધીશો ઠંડુ વલણ અપનાવી રહ્યા છે. હોસ્પિટલના સ્ટાફ બધુ સારું થઈ જશે તેવું આશ્ર્વાસન આપે છે. પરંતુ આખરે મામલો શું છે તે વિશે કોઈ મગનું નામ મરી પાડતું નથી. દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો સમાચારોમાં આવતા હોસ્પિટલ સત્તાધીઓએ તપાસની હૈયાધારણા આપી છે. અગાઉ પણ અમરેલી શહેરની હોસ્પિટલ અંધાપાકાંડને લઈને સમાચારોમાં આવી હતી.
અમરેલીની શાંતા બા સિવિલ હોસ્પિટલના એમડી ફીજીશિયન વિજય વાળાએ જણાવ્યું હતું કે, રાતે દર્દીઓને ઈન્જેક્શન આપ્યા તબિયત ખરાબ થયાના સમાચાર મળ્યા હતા. જેના બાદ અસરગ્રસ્ત તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અને જે દર્દીઓને સારું થયું તેમને રજા આપવામાં આવી છે. ફીજીશિયનના મતે દર્દીઓની તબિયત બગડવાનું કારણ બાટલો અથવા ઇન્જેકશન નહી પરંતુ દર્દીની પ્રકૃતિ પણ હોઈ શકે છે. છતાં આ મામલે અમે તપાસ કરીશું કે કોને કયું ઇન્જેકશન આપવામાં આવ્યું છે અને તેમને શું અસર થઈ. આ સાથે અમે ઇન્જેકશન તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ સેમ્પલ મોકલીશું. જે બાદ આગળની કાર્યવાહી થશે.