અમરેલી, રાજ્યમાં લોક્સભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અમરેલીમાં છે. તેમની સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, સાંસદ કાછડીયા, દીલીપ સંધાણી, કૌશિક વેકરીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
અમરેલી ખાતે બુથ પ્રમુખ અને કાર્યર્ક્તા સંમેલનમાં જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અમરેલી લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવારને પાંચ લાખ મતોથી વિજય બનાવવા માટે કાર્યકરોને હાકલ કરાઇ હતી. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો.
બીજી બાજુ, અમરેલીમાં ભાજપના ઉમેદવારની ભાષણ દરમિયાન જીભ લપસી હતી. જેના લીધે થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. અમરેલી લોક્સભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયાએ સી. આર. પાટીલની હાજરીમાં ભાષણ આપતા સમયે બાફ્યું હતું.
અમરેલી લોક્સભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયાએ ભાષણ આપતા જણાવ્યું હતું કે, અબકી બાર ચારસો પાર. ૪૦૦ પાર શું, આપણા અયક્ષ સી. આર. પાટીલે કીધું છે ૫૦૦ પાર. સી આર. પાટીલ સાહેબને ખાતરી આપીએ છીએ કે આ વખતે અમરેલી ૫૦૦ પાર હશે. એમાં કોઇ શંકા નથી.
નોંધનીય છે કે, અમરેલી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર થઇ ચૂક્યા છે. આ બેઠક પર લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ તરફથી ભરત સુતરિયા ઉમેદવાર છે અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને મેદાને ઉતાર્યા છે. ઉપરાંત અમરેલી લોક્સભા બેઠક પર ૧૯૫૭થી ૨૦૧૯ સુધીના ઇતિહાસની વાત કરીએ તો, અહીં ૧૬ વખત ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીઓમાં ૮ વખત કોંગ્રેસ અને ૭ વખત ભાજપની જીત થઇ છે. જ્યારે એક ૧ વખત જનતાદળના ઉમેદવારે જીત નોંધાવી હતી.