રાજકોટ, અમરેલીની પોલીસને જ્વલંત સફળતા મળી છે. અમરેલી જિલ્લા પોલીસની ટીમે સૌરાષ્ટ્રના સૌથી મોટા બુટલેગર અને ભાજપના કોર્પોરેટર પતિ ધીરેન કારિયાની ધરપકડ કરી છે. ધીરેન કારિયા અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દારૂના સપ્લાયમાં મોટું નામ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં દારૂના સપ્લાયનું તેનું નેટવર્ક અજોડ મનાય છે. સૌરાષ્ટ્રનો કોઈ જિલ્લો બાકી નહી હોય જ્યાં તે દારૂ પૂરો પાડતો ન હોય.
સૌરાષ્ટ્રના આ નામીચા બુટલેગર સામે ૧૧ જિલ્લામાં લગભગ ૬૦ જેટલા ગુના નોંધાયા છે. તેમા ૧૮ ગુનામાં તે વોન્ટેડ હતો. જો કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની ધોંસ વધવાના લીધે તે રાજ્યની બહાર જતો રહ્યો હતો. જો કે પોલીસને પછી તે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં છૂપાયો હોવાની બાતમી મળી હતી. તેના પગલે અમરેલીના એસપીએ ખાસ ટીમ બનાવી આરોપીને ઝડપ્યો હતો.
હમણા થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસે કુખ્યાત બુટલેગર અલ્તાફની ધરપકડ કરી હતી. તેની સામે હત્યાનો પ્રયત્ન આર્મ્સ એક્ટ સહિત કેટલાય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. તે મર્સીડીઝ કારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તાલુકા પોલીસે તેને ઝડપી લીધો હતો. તેને આજી ડેમ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. એકાદ વર્ષ પહેલા અલ્તાફ પાસેથી મળેલી ડાયરીમાં તે પોલીસને હપ્તાઓ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેના લીધે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.